મુન્દ્રા.કચ્છ મધ્યે તાજેતરમાં એકજ દિવસમાં કોરોના 14 પોઝીટીવ કેસ જાહેર થયા હોવાની બાબતે સમગ્ર જિલ્લામાં ફફડાટ છે. મુન્દ્રા તાલુકામાં પણ પ્રવેશેલા મુંબઇગરાઓની નાની અમથી બેદરકારી તાલુકા માટે ઘાતક સાબિત થઈ શકવાની દહેશત નગરનો પ્રબુદ્ધ વર્ગ વ્યકત કરી રહ્યો છે. તાલુકા હેલ્થ ઓફિસ ખાતેથી પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધી 372 વ્યકતીઓએ ઓનરેકર્ડ નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશ કર્યો છે. ઉપરાંત ચોરી છુપીથી પગપેસારો કરી ચૂકેલા અલગ. નગર સિવાય ટૂંડા, કપાયા, ભુજપર, દેશલપર, નવીનાળ, કાંડાગરા સમેતના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક તબક્કે પ્રવેશ કરી ચૂકેલા અનેક મુંબઈવાસીઓ ક્વોરન્ટાઇનને અવગણીને જાહેરમાં ફર્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે. પરંતુ બાદમાં આરોગ્ય અને પોલીસ ખાતાએ કડક રૂખ અપનાવતા તેમના પર રોક લાગી હોવાની ચર્ચાઓ કાને અથડાઈ છે. ત્યારે આગામી કપરા દિવસોમાં પરગામવાસીઓ તાલુકામાં સંક્રમણ ફેલાવામાં નિમિત્ત બને તે પહેલાં સરકારી આદેશોનું ચુસ્ત પાલન કરી પોતાની નૈતિક ફરજ બજાવે તેવી અપેક્ષા પ્રશાસન સાથે તાલુકવાસીઓ વ્યક્ત કરી રહા છે.