દીકરી બની ‘શ્રવણ’, ઈજાગ્રસ્ત પિતાને 1,200 કિ.મી સાઈકલ પર લઈને પોતાના વતન માં પહોંચી હતી

15 વર્ષની સાહસિક દીકરીએ ગુરુગ્રામથી બિહારના દરભંગા સુધી ડબલ સવારી સાઈકલ ચલાવી હતી

કોરોના મહામારીનો ઈતિહાસ લખાશે તેમાં પરપ્રાંતિયોની પીડા અને વેદનાનો એક અધ્યાય જરૂરથી સમાવવામાં આવશે. શ્રમિકોએ પોતાના વતન પહોંચવા માટે કેવા કેવા પ્રયાસો કર્યા છે તેની દાસ્તાન જરૂરથી યાદગાર બની રહેશે અને તેમાં પણ ગુરુગ્રામથી ઈજાગ્રસ્ત પિતાને લઈને 1,200 કિલોમીટર સાઈકલ સવારી કરીને બિહાર પહોંચેલી જ્યોતિ કુમારીનો કિસ્સો પણ પોતાની છાપ છોડી જશે. 15 વર્ષની જ્યોતિએ જે સાહસ ખેડ્યું છે તે કોઈ સફળ એથ્લીટ અને સાઈક્લિસ્ટને પણ શરમાવે તેવું છે. પેટ કરાવે વેઠ આ વાક્ય કોવિડ 19ના સમયગાળામાં સાચે જ સાર્થક થતું જોવા મળ્યું છે. લોકો લાંબો સમય સાઈકલ ચલાવીને થાકી જતા હોય છે ત્યારે જ્યોતિ કુમારીએ ડબલ સવારીમાં સાઈકલ ચલાવીને પિતાને સુરક્ષિત રીતે વતન પહોંચાડ્યા હતા. આજના યુગની શ્રવણ જેવી આ દેશની સાહસિક દીકરી પર દરેકને ગર્વ પણ થાય છે અને બીજીતરફ સરકાર પ્રત્યે ઘૃણા પણ થાય તે સ્વાભાવિક છે.5 વર્ષની જ્યોતિએ 8મેના રોજ હરિયાણાના ગુરુગ્રામથી પિતાને સાઈકલ પાછળ કેરિયર પર બેસાડીને પોતાની યાત્રા શરૂ કરી હતી. પિતાના સારથી બનીને જ્યોતિએ 17મી મેના સફળતાપૂર્વક શિરહુલી ગામે પોતાનો રથ પહોંચાડ્યો હતો જ્યાં હાલમાં તેના પિતા ક્વોરન્ટાઈન સેન્ટરમાં છે જ્યારે જ્યોતિ ઘરકામમાં વ્યસ્ત છે. આ સમગ્ર કિસ્સાની હકિકત એવી છે કે બિહારના વતની મોહન પાસવાન રોજી રોટી રળવા હરિયાણાના ગુરુગ્રામ ખાતે રિક્ષા ચલાવે છે. થોડા મહિનાઓ પૂર્વે એક અક્સમાતમાં તેમને ઈજા થતા રિક્ષા ચલાવવાનું બંધ કરવું પડ્યું હતું. જ્યોતિ અને તેની માતા ગુરુગ્રામ ખાતે ભાડાના મકાનમાં પિતાની દેખરેખ માટે પહોંચ્યા હતા. જો કે માતા આંગણવાડીમાં ફરજ બજાવતી હોવાથી તે થોડા દિવસો બાદ જ બિહારપરત ફર્યા હતા. જ્યોતિ તેના પિતાનું ધ્યાન રાખી રહી હતી. દરમિયાન 25 માર્ચના દેશમાં સૌપ્રથમ લોકડાઉન લાગુ કરાયું હતું. ત્રણ સપ્તાહ બાદ વધુ બે વખત લોકડાઉન કરાયું અને ત્યારબાદ ચોથું લોકડાઉન અમલમાં આવ્યું. જ્યોતિ અને પિતા પાસે ઘરમાં લોટ તેમજ ચોખા પણ પૂરા થઈ ગયા હતા તે ઉપરાંત મકાન માલિક દ્વારા ભાડું આપવા દબાણ કરાતું હતું. જ્યોતિએ જણાવ્યું કે તેના પિતા કેટલાક મહિનાઓથી રિક્ષા ચલાવી શકતા ના હોવાથી તેમની બચત પણ પૂરી થઈ ગઈ હતી.કોરોનાના કપરા સમયમાં પિતાનો એકમાત્ર સહારો દીકરી હતી. દીકરી સગીર હોવાથી તેમજ લોકડાઉનમાં તેને લઈને બહાર જવામાં પિતાને પણ ચિંતા થતી હતી. ઈજાગ્રસ્ત પિતા મુંઝવણમાં હતા ત્યારે જ દીકરીએ પિતાની હિંમત વધારી અને કહ્યું કે હું તમને સાઈકલ પર વતન લઈ જઈશ. મકાન માલિકે પણ મુદત આપી દીધી હતી કે તેઓ ભાડું ભરે અથવા ઘર છોડીને જતા રહે.લોકડાઉનને લીધે બસ કે ટ્રેન પણ નહીં મળતા પિતા-પુત્રી સંકટમાં હતા. જો કે દીકરીએ જ પહેલ કરતા જણાવ્યું કે તે ચાલવામાં અશક્ત પિતાને સાઈકલ પર વતન લઈ જશે. જ્યોતિ કુમારીએ જણાવ્યું કે તે રોજના 100 કિલોમીટર સાઈકલ ચલાવતી હતી અને રાત્રે તેઓ કોઈ પેટ્રોલ પંપ પર રોકાઈ જતા હતા. રસ્તામાં આવતા પેટ્રોલ પંપ પર પણ કેટલાક ભલા માણસો તેમને ખાવાનું પણ આપતા હતા. કેટલાક સ્થળે તેમને ટ્રક ડ્રાઈવરોએ લિફ્ટ પણ આપી હતી પરંતુ તેમનો રૂટ અલગ હોવાથી તેઓ વચ્ચે ઉતારી દેતા હતા.આઠ દિવસ બાદ જ્યોતિએ સાઈકલ પર પિતાને ઘરે સલામત પહોંચાડ્યા ત્યારે તેના પિતાનો ચહેરો ગર્વથી છલકાચો જોવા મળ્યો હતો. જ્યોતિના ગામમાં તેની તુલના આજના યુગના શ્રવણ સાથે કરલા લાગ્યા હતા. વતન પહોંચતા જ જ્યોતિ અને તેના પિતાની ખુશીનો પાર રહ્યો નહતો. જ્યોતિએ મનોમન નક્કી કરી લીધું છે કે હવે તે આજીવિકા માટે તેના પિતાને વતનથી દૂર ક્યાંય મોકલશે નહીં.પિતાની મરણ મૂડીમાંથી સાઈકલ ખરીદીગુરુગ્રામમાં મકાનમાલિકે ભાડુઆત મોહન પાસવાનને મકાન ખાલી કરી દેવા અલ્ટિમેટમ આપ્યું હોવાથી તે વિમાસણમાં મુકાઈ ગયા હતા. જો કે તેની પાસે બચેલી મરણ મૂડીમાંથી એક જૂની સાઈકલ ખરીદી લીધી હતી. આ સાઈકલ પર જ તેની સાહસિક દીકરી જ્યોતિએ પિતાને 1,200 કિ.મીની યાત્રા કરાવીને વતન પહોંચાડ્યા હતા.