ગીરગઢડા ભાખામાં 108ને અડધો કલાક સિંહના ટોળાએ અટકાવી, EMTએ રસ્તામાં 108ની અંદર મહિલાની પ્રસુતી કરાવી હતી

 

  • સિંહનું ટોળુ 108ની ફરતે આંટા મારી રહ્યું હતું, મહિલાએ બાળકીને જન્મ આપ્યો
  • સિંહનું ટોળુ રોડ પરથી હટતા જ 108 દ્વારા માતા-દીકરીને હોસ્પિટલે પહોંચાડાયા

ઉના. ગીગઢડાની 108 એમ્બ્યુલન્સને 20 મેની રાત્રે 10 વાગ્યાની આસપાસ ભાખા ગામથી ડિલિવરી કેસનો ફોન આવ્યો હતો. ગીરગઢડાના ભાખા ગામે અફસાનાબેન (ઉ.વ.30) નામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડી હતી. આથી પરિવારે ગીરગઢડા 108ને ફોન કર્યો હતો. આથી 108 ત્યાં પહોંચી સગર્ભાને લઇને ગીરગઢડા જતી હતી ત્યારે રસુલપરા પાટિયા પાસે પહોચ્યા ત્યાં રસ્તામા 4 સિંહનું ટોળુ બેઠુ હતું. આથી 108 ત્યાં જ રોકવી પડી હતી. અંદર અફસાનાબેનને દુખાવો વધવા લાગ્યો હતો. આથી ઇએમટી જગદીશભાઇ મકવાણા અને પાયલોટ ભરતભાઇ આહિરે 108ની અંદર જ ડિલિવરી કરાવી દીધી હતી.  અફસાનાબેને બેબીને જન્મ આપ્યો હતો. બાદમાં માતા અને બાળકને એમ્બ્યુલન્સમા જરૂરી સારવાર આપી હતી અને ત્યારબાદ પણ સિંહનું ટોળુ ત્યાં જ રોડ પર હતું અને એમ્બ્યુલન્સ ફરતે આંટા મારતું હતું. 20 મિનિટ બાદ તે સિંહનું ટોળુ સાઈડમા જતું રહ્યું અને અફસાનાબેન અને તેની બાળકીને ગીરગઢડા હોસ્પિટલ સલામત રીતે લઈ જવામાં આવ્યા હતા