૧૬ વર્ષીય છોકરીએ જીભ કાપીને મંદિરમાં ચઢાવી

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાથી આસ્થા અને અંધવિશ્વાસ સાથે સંકળાયેલો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જયાં કોરોના વાયરસથી ગામની રક્ષા કરવા માટે એક ૧૬ વર્ષીય છોકરીએ પોતાની જીભ કાપીને શિવ મંદિરમાં ચઢાવી દીધી હતી જીભ કાપ્યા બાદ છોકરી મંદિરમાં બેભાન થઈ ગઈ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જયાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. હાલ ડોકટરો તેની જરૂરી સારવાર કરી રહ્યા છે. છોકરીએ જાતે જ જણાવ્યું હતું કે, તેણે થોડાં દિવસ પહેલા કોરોના વાયરસથી ગામની રક્ષા કરવા માટે ભગવાન અકીલા શિવ પાસે એવી માનતા માની હતી. છોકરીએ જણાવ્યું કે, તે ઘણા દિવસોથી કોરોના વાયરસ અંગે ડરાવની ખબરો સાંભળી રહી હતી, તેને કારણે તેના મનમાં દ્યણા દિવસોથી આ વાતો ચાલી રહી હતી ત્યારબાદ બ્લેડની વ્યવસ્થા કરીને તે બાગૈ નદીના કિનારે આવેલા શિવ મંદિરમાં ગઈ અને ત્યાં પોતાની જીભ કાપી લીધી હતી. આસપાસ અને પરિવારના લોકો આ ઘટનાથી દંગ રહી ગયા હતા. ગામની જ સ્કૂલમાં તે છોકરી સાથે અભ્યાસ કરનારી તેની બહેનપણીએ જણાવ્યું હતું કે, તે દ્યણા દિવસોથી કહી રહી હતી કે, કોરોના વાયરસથી ગામને બચાવવા માટે કંઈક કરવું પડશે, પરંતુ મેં તેની વાત પર વધુ ધ્યાન નહોતું આપ્યું. છોકરીના માતા-પિતાનું કહેવું છે કે, તે કોરોના મહામારીને લઈને ચિંતિત રહેતી હતી, પરંતુ તેની વાતો કે હરકતો પરથી એવું નહોતું લાગ્યું કે તે આટલું મોટું પગલું ભરી લેશે. આ મામલામાં બાંદાના જિલ્લાધિકારી અમિત સિંહ બંસલનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, છોકરીએ પોતાની આસ્થાના કારણે આવું કર્યું છે, તેને કોઈએ પણ આવું કરવા માટે મજબૂર નથી કરી. આ સંબંધમાં તેને ચિકિત્સકીય સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને જો જરૂર પડશે તો તેનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે.