કોરોના વાયરસના કહેરથી અમદાવાદમાં ફક્ત માણસો જ નહીં પણ માનવતા પણ મરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતકના શરીર પરથી દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. જોકે આખરે શાહીબાગ પોલીસને આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.શાહીબાગ પોલીસએ દાગીના ચોરીના ગુનામાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે બંને આરોપીઓ કોરોનાગ્રસત વ્યક્તિઓના મૃતદેહને સેનિટાઈઝર કરવાનું કામ કરી રહ્યા હતા. અને સિવિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા. પોલીસે અમિત શર્મા અને રાજેશ પટેલ નામના બે આરોપીઓને ઝડપીને તેમના કોરોના ટેસ્ટ કરાવવાની કામગીરી શરૂ કરી છે.શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ત્રણ ગુના દાખલ થયા હતા. જેમાં બે ફરિયાદ તો એક જ દિવસમાં દાખલ થઈ હતી. એક ફરિયાદમાં મૃતક પુરુષની સોનાની વીંટી, ચેન, સહિતના દાગીના અને આશરે દશ હજાર રૂપિયા રોકડા તો બીજી ફરિયાદમાં મૃતક મહિલાનું સોનાનું બુટ્ટી અને વીંટીની ચોરી થઈ હતી.એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ગણાતી એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કોરોનાની મહામારીમાં અનેક વિવાદમાં સપડાઈ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ બાદ તેમના દાગીના ચોરી થયાની ઘટના તેમજ કોરોના દર્દીઓના રહસ્ય ગુમ થવાની સંખ્યાબધ ફરિયાદો કારણે સિવિલની છબી ખરડાઇ રહી છે. એટલું જ નહીં સિવિલ હોસ્પિટલમાં પુષ્કળ પ્રમાણમાં દર્દીઓનાં સરસામાનની ચોરી થતી હોવાની ફરિયાદો પણ થતાં પોલીસ દોડતી થઈ હતી.