અમદાવાદ ના જુહાપુરામાં ગેરકાયદે કતલ માટે લવાયેલા ઢોર બચાવાયાં
ઈદના તહેવાર પહેલાં ગેરકાયદે કતલ માટે લાવવામાં આવેલા ઢોરને ઝડપી લઈ કડક કાર્યવાહી કરવાની દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શાહપુર પછી જુહાપુરામાં ગેરકાયદે કતલ માટે પશુ લઈ જતી બોલેરો કબજે કરવામાં આવી છે. વહેલી સવારે પોલીસે આંતર્યા ત્યારે બોલેરો પોલીસ તરફ દોડાવવામાં આવી હતી. જો કે, પોલીસે બોલેરો અટકાવીને તેમાંથી બે શખ્સોને પકડી પાડ્યાં છે.
વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. સવારે 6-15 વાગ્યાના અરસામાં હાજીબાવાની કુઈ 3 રસ્તા પાસે એક બોલેરો વાન આવતાં તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. આ બોલેરોમાંથી પાસ પરમિટ વગર જ લાવવામાં આવલાં પશુને ક્રૂર રીતે દોરડાથી બાંધવામાં આવ્યાં હતાં. સોનલ સિનેમા તરફ બોલેરો લઈ જવાય તે પહેલાં અટકાવાઈ હતી.
પોલીસે બોલેરોમાંથી કિશોર વાલજીભાઈ ડલોડીયા (રહે. લીંબડી) અને મોહમદ સાજીદ ઈકબાલભાઈ કુરેશી (રહે. જુહાપુરા)ને પકડી પાડ્યા હતા. પોલીસે બોલેરોમાંથી ત્રણ ભેંસ કબજે કરી હતી. પોલીસે 3 ભેંસ અને બોલેરો સહિત કુલ 1.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. શાહપુર પછી જુહાપુરામાં પણ ગેરકાયદે કતલ માટે લઈ જવાતાં પશુને બચાવી લેવાયાં હતાં.
ઈદના તહેવાર પહેલાં પોલીસે કોરોનાનો રોગચાળો અટકે તે માટે કડક ચેકિંગ હાથ ધર્યું છે. કોરોનાનો રોગચાળો વ્યાપક બને નહીં તે માટે પવિત્ર રમજાન મહિના પછી ઈદની ઉજવણી એક વર્ષ પૂરતી સાદાઈથી કરવા માટે પણ પોલીસે સ્થાનિકોને સમજ કરી છે. સાથોસાથ, પશુઅોની ગેરકાયદે કતલ કરનારાં સામે પણ કડક પગલાં ભરવામાં આવ્યાં છે.