શહેરમાં માધાપર હાઇવેને અડીને આવેલા કામરૂ દેશ તરીકે ઓળખાતા સંજયનગરી વિસ્તારમાં એક રહેણાકના મકાનમાં ચાલતું પશુઓનું ગેરકાયદે કતલખાનું પોલીસે દરોડો પાડીને ઝડપી પાડયું હતું. આ પ્રકરણમાં સંચાલક શખ્સની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરવા સાથે બનાવના સ્થળેથી એક જીવતો પાડો તથા કતલખાનાને સંલગ્ન માલસામગ્રી કબ્જે કરાઇ હતી. સંજયનગરી વિસ્તારમાં રહેતો જીવણ દેવજી પરમાર નામનો દેવીપૂજક શખ્સ તેના ઘરમાં ગેરકાયદેસર રીતે પશુઓનું કતલખાનું ચલાવતો હોવાની બાતમીના આધારે આજે સ્થાનિક બી-ડિવિઝન પોલીસ તેના ઘર ઉપર ત્રાટકી હતી. જેમાં જીવણ પરમારની ધરપકડ કરાઇ હતી. તો તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.પોલીસ સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે દરોડાની કાર્યવાહીમાં બનાવના સ્થળેથી કતલ કરવા માટે રખાયેલો એક પાડો બચાવાયો હતો. તો કતલ કરાયેલા પશુનું 20 કિલો માંસ, વજનકાંટો, લાકડું, છરો, ટબ, રૂા. 10 હજાર રોકડા વગેરે મળી કુલ્લ રૂા. 17,600ની માલમતા કબ્જે કરાઇ હતી. આરોપી કેવા પશુની કતલ કરતો હતો અને તે માંસની વેચસાટ કયાં-કયાં કરતો હતો તેના સહિતની વિગતોનું પગેરું તપાસ અંતર્ગત દબાવાયું છે.દરોડાની કાર્યવાહીમાં ઇન્સ્પેકટર આર.એન. ખાંટ સાથે ફોજદાર એ.એન. ભટ્ટ અને સ્ટાફના સભ્યો નિરૂભા ઝાલા, પંકજ કુશવાહ, હરીશચન્દ્રાસિંહ જાડેજા, શિવરાજાસિંહ રાણા, પરમવીરાસિંહ ઝાલા, શકિતાસિંહ જાડેજા, વિજય ખાંટ, કિરણબેન બાંટવા વગેરે જોડાયા હતા.