ગાંધીધામ હત્યામાં સામે સામી ફરિયાદ

શહેરનાં જૂની સુંદરપુરી આર્ય સમાજવાડી પાસે થયેલી બબાલમાં રાજુ રાઠોડ (ઉ.વ. 26) નામના યુવાનની હત્યા બાદ 15 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઇ હતી તો સામા પક્ષે ત્રણ લોકો વિરુદ્ધ પ્રતિ ફરિયાદ થઇ હતી. હત્યાના બનાવમાં પરિવારજનોએ યુવાનની લાશ સ્વીકારવાની ના પાડી હતી બાદમાં પોલીસે ધરપત આપતાં લાશનો કબજો સ્વીકારાયો હતો. આ ધીંગાણામાં અમુક શખ્સોને રાઉન્ડ અપ કરી લેવાયા હતા. સુંદરપુરી નજીક આર્ય સમાજ સામે આવેલા ઓટલા ઉપર કમલેશ મહેશ રાઠોડ (વણકર) તેનો ભાઇ રાજુ, દીપક, મેઘજી તથા કાકા જીવણભાઇ બેઠા હતા ત્યારે રમેશ નારાણ ધેડા અને નિખિલ રામજી વિગોરા નામના શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ કમલેશ પાસે બીડી માગી હતી જેની આ યુવાને ના પાડી હતી. દરમ્યાન આ શખ્સોએ બોલાચાલી કરી તારા ખિસ્સા બતાવ તેવામાં રાજુએ ખિસ્સા ચેક કરવાનો તને શું હક્ક છે તેમ કહેતાં આ શખ્સો ગાળાગાળી કરી ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં આ લોકો પણ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, કમલેશ અને રાજુ પોતાના ઘરે હતા ત્યારે જિગર રાયશી માતંગ, નરેશ પાલા સીંચ, વિશાલ માલશી વિગોરા, મુકેશ રાણા માજી રાણા, સુનીલ ઉર્ફે અલુ શાંતિલાલ બારોટ, રમેશ નારાણ ધેડા, નિખિલ રામજી વિગોરા તથા અન્ય સાતથી આઠ અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. આ શખ્સોએ તેમના ઘર ઉપર પથ્થરમારો કરી રાડોરાડ કરતા હતા. નરેશ સીંચ લોખંડનો પાઇપ લઇ આવી રાજુને મારવા જતાં તેણે પાઇપ પકડી લીધો હતો. તેવામાં જિગર માતંગે પોતાની પાસે રહેલી મોટી છરી રાજુના પેટમાં ઝીંકી દીધી હતી. રાડોરાડના પગલે રાજુના પિતા મહેશ રાઠોડ, મોટી બા મીઠીબેન, માતા કેશીબેન બહાર આવતાં આ શખ્સોએ તેમને પણ માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ખસેડાતાં તેણે દમ તોડી દીધો હતો. આ બનાવ બાદ લાશનું પી.એમ. કરાવવા રામબાગ લઇ જવાઇ હતી જ્યાં તટસ્થ તપાસની માંગ સાથે લાશ સ્વીકારવાની ના પાડી દેવાઇ હતી. પોલીસે ધરપત આપ્યા બાદ આજે બપોરે યુવાનની લાશ તેના પરિવારજનોએ સ્વીકારી હતી. આ બનાવમાં સુનીલ ઉર્ફે અલુ શાંતિલાલ બારોટે પ્રતિ ફરિયાદ નોંધાવી હતી. બીડી મુદ્દે થયેલી આ બબાલમાં આ ફરિયાદીને નિખિલ વિગોરાએ ફોન કરી બોલાવ્યો હતો. આ ફરિયાદી યુવાન આર્ય સમાજ પાસે જતાં કમલેશ મહેશ રાઠોડ, દીપક મહેશ રાઠોડ, જીતુ રાઠોડ ત્યાં હાજર હતા. આ ત્રણેય પાસે લોખંડના પાઇપ હતા, અહીં’ માથાકુટ ચાલતી હતી તેવામાં જીતુએ આ ફરિયાદીના માથામાં પાઇપ મારતાં તેને ઇજાઓ થઇ હતી. આ યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. ગત રાત્રે થયેલી હત્યાના બનાવમાં અમુક શખ્સોને રાઉન્ડ અપ કરી લેવાયા હતા તેવું પોલીસે જણાવ્યુ હતું.