સાબરકાંઠામાં 31 રેવન્યુ તલાટી અને 7 નાયબ મામલતદારોની બદલીના આદેશ
કોરોના વાયરસને પગલે સાબરકાંઠાના વહીવટી તંત્ર લોકોને જાગૃત કરવાનું અને ઘરોમાં રહેવાની અપીલ કરી રહી છે ત્યારે તાજતેરમાં જિલ્લા કલેકટરે વહીવટી અનુકૂળતાના ભાગરૂપે ૩૧ રેવન્યુ તલાટીઓની તથા ૭ નાયબ મામલતદારોની તાલુકાફેર અથવા તો જે તે તાલુકાઓમાં બદલી કરવાના આદેશ કર્યા છે. જેને લઇને બદલી અને બઢતીની રાહ જોઇને બેઠેલા આ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
કલેકટર કચેરીના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જિલ્લા કલેકટર સી.જે.પટેલે તાજેતરમાં ૩૧ રેવન્યુ તલાટીઓ તથા કલાર્કોની હંગામી ધોરણે નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી આપીને તેમને નાયબ મામલતદાર સંવર્ગમાં મૂકયા છે. જેને લઇને હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઇડર, પોશીના, વિજયનગર, વડાલી અને તલોદ તાલુકાના મહેસુલી તલાટીઓને કેટલીક ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવી છે અને આ તલાટીઓને તાત્કાલિક અસરથી જે તે સ્થળે હાજર થવા જણાવાયુ છે.
તેજ પ્રમાણે જિલ્લા કલેકટરે આ બદલીઓની સાથો સાથ વહીવટી અનુકૂળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને નાયબ મામલતદારોની ફેરબદલીના આદેશ કરાયા છે. જેમાં વડાલીના નાયબ મામલતદારને ઇડર, ખેડબ્રહ્માના નાયબ મામલતદારને ઇડર પ્રાંત કચેરીમાં તથા ખેડબ્રહ્માના નાયબ મામલતદારને હિંમતનગર ધરોઇ યોજનાની કચેરીમાં મૂકાયા છે. તેજ પ્રમાણે તલોદના નાયબ મામલતદારને તલોદમાં જ ઇ-ધરા મામલતદારની ખાલી જગ્યા પર તથા ખેડબ્રહ્મા પ્રાંત કચેરીના નાયબ મામલતદારને હિંમતનગર કલેકટર કચેરીમાં અને વિજયનગરના નાયબ મામલતદારને તલોદ મામલતદાર કચેરીમાં બદલી કરાઇ છે.
અંતરંગ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યુ છે ત્યારે સરકાર દ્વારા પુરરાહત અને અન્ય કામગીરી માટે ખાસ સ્ટાફની ફાળવણી કરવી પડતી હોવાને લીધે જિલ્લા કલેકટર દ્વારા તેના માટે પણ બદલીઓ કરાય તેવી શકયતા નકારી શકાતી નથી. જોકે આ હંગામી જગ્યાઓ ચોમાસુ પૂર્ણ થાય ત્યાં સુધીની હોય છે.