ભાવનગર : ટ્રેકટરની ડિઝલની ટાંકી ફાટતા આગ ભભુકી, 3 વ્યક્તિ જીવતા ભુંજાયા

ભાવનગરના માઢિયાથી સવાઇનગર રોડ ઉપર શનિવારે મોડી રાત્રે એક ટ્રેકટર અચાનક પલટી મારી જતા તેમાં આગ લાગતા 3 લોકોના ટ્રેકટરની નીચે દબાઈ જવાથી મોત નીપજ્યા છે.

આ અંગે જાણવા મળ્યા અનુસાર શનિવારે મોડી રાત્રે સવાઇનગર ગામથી 4 લોકો ટ્રેકટર ઉપર બેસીને ભડભીડ ખાતે ટ્રેકટરની ટ્રોલી મુકવા જઈ રહ્યા હતા. ટ્રોલી ભડભીડ મૂકી સવાઇનગર પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી. આ બનાવ બન્યો ત્યારે સવાઇનગરના 4 લોકો આ ટ્રેકટર પર સવાર હતા અને ઘરે જતા હતા. પરંતુ રસ્તામાં અચાનક ટ્રેકટર પલટી મારી જતા ડીઝલની ટાંકી ફાટી ગઈ અને તેના કારણે આગ લાગી હતી.

ટ્રેકટરમાં બેઠેલા 4 પૈકી 1 વ્યક્તિનો બચાવ થયો છે જ્યારે ટ્રેકટર નીચે દબાઈ જતાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા ભાવનગર જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોર, ડી વાય એસ પી તેમજ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તેમજ ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમણે ટ્રેકટરમાં લાગેલી આગને કાબુમાં કરી અને મૃતદેહને પીએમ માટે ખસેડવાાની કામગિરી હાથ ધરી હતી.