Skip to content
ભુજ નજીક આવેલા નાગોર ગામે મહિલા દ્વારા રહેણાંક મકાનમાં ચલાવાતાં જુગારધામ પર ગત મધરાત્રે પોલીસે દરોડો પાડી 6 મહિલા સહિત 8 ખેલીઓની અટકાયત કરી છે. બાતમીના આધારે ભુજ બી ડિવિઝનના ASI પંકજ કુશ્વાહા અને પોલીસ ટીમે નાગોર ગામે શંકર મંદિરની બાજુમાં ગીતાબેન શાંતિનગર ગુંસાઈ (મૂળ રહે. જૂનાવાસ, સુખપર)ના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાનમાં અડધી રાત્રે પોણા 1 વાગ્યે દરોડો પાડ્યો હતો. ગીતા નાલ ઉઘરાવીને બહારથી ખેલીઓ બોલાવી ઘરમાં જુગાર રમાડતી હોવાની બાતમી હતી. પોલીસે પાડેલા દરોડોમાં ગીતા સહિત 8 ખેલી ગંજીફા વડે જુગટું રમતાં રંગેહાથ ઝડપાઈ ગયાં હતા. પોલીસે ઝડપેલાં ખેલીઓમાં અંજનાબેન રતનગર ગુંસાઈ (ઉ.વ.30, નાગોર), સપનાબા શક્તિસિંહ ઝાલા (ઉ.વ.36, સુખપર), હિના પ્રકાશગર ગોસ્વામી (ઉ.વ.37, મિરજાપર), રમીબેન ઊર્ફે તુલસીબેન પ્રભુભાઈ ચાવડા (ઉ.વ.39, મિરજાપર), ભાવિકા ઊર્ફે ભાવનાબેન જીતુભાઈ ગોસ્વામી (ઉ.વ.35, મિરજાપર), પ્રભુ મેરામણભાઈ ચાવડા (ઉ.વ.40, મિરજાપર), શક્તિસિંહ રઘુભા ઝાલા (ઉ.વ.40, સુખપર) અને ગીતાબેન ગુંસાઈ (ઉ.વ.38, નાગોર)નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી પોલીસે 26800ની રોકડ, 21 હજારની કિંમતના 6 મોબાઈલ ફોન અને 40 હજારની કિંમતની બે મોટર સાયકલ મળી કુલ 87800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આઠેય સામે પોલીસે જુગારધારાની કલમ 4 અને 5 તેમજ કલેક્ટરના જાહેરનામા-કોવિડ એડવાઈઝરીનો ભંગ કરવા બદલ IPC 188, 269, 270 હેઠળ ગુનો દાખલ કર્યો છે.