વડોદરામાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો, સાવલીમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ

વડોદરા. વડોદરા જિલ્લાના સાવલી અને ડેસરના વાતાવરણમાં આજે બપોર બાદ અચાનક જ પલટો આવ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. બાળકોએ પહેલા વરસાદની મજા માણી હતી.
નિસર્ગ વાવાઝોડું હવે ગુજરાત પર ટકરાશે નહીં, પરંતુ વાવાઝોડાની અસરના ભાગરૂપે વડોદરા શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો છે. વડોદરા શહેરના વાતાવરણમાં આજે બપોર બાદ પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી અને આકાશમાં ડાળા ડિંબાગ વાદળો છવાઇ ગયા છે. જેને પગલે વરસાદી શક્યતા જોવામાં આવી રહી છે. 

અરબી સમુદ્રમાં ઉદભવેલા નિસર્ગ વાવાઝોડાની અસર વડોદરામાં શરૂ થઇ હતી. બપોર બાદ સરેરાશ 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જોરદાર પવન ફૂંકાતા શહેરમાંમાર્ગો ઉપર ઉઠેલી ધૂળની ડમરીઓથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સુસવાટા મારતા ઠંડા પવન સાથે વરસાદી વાદળોએ પણ વડોદરા ઉપર ઘેરો ઘાલ્યો હતો.

સવારથી શહેરમાં નિસર્ગ વાવાઝોડાની અસર શરૂ થઇ હતી. બપોરે ધૂળની ડમરીઓ ઉડાડતો સુસવાટા મારતો પવન શરૂ થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં તંબુ, વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયા હતા. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા નાના-મોટા હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા. ગરમીથી બચવા માટે પોલીસ માટે બનાવવામાં આવેલા તંબુ પણ ઉડી ગયા હતા. વાઘોડિયા રોડ, આજવા રોડ, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. ભારે પવન ફૂંકાતા અને વરસાદી માહોલ સર્જાતા શહેરના બજારોમાં વેપારીઓએ માલ-સામાન બચાવવા દોડધામ કરી મુકી હતી. 
સરેરાશ 35થી 40 કિલોમીટરની ફૂંકાયેલા પવનના કારણે માર્ગો ઉપર ઉઠેલી ધૂળની ડમરીઓથી વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું. કેટલાંક વાહન ચાલકો વંટોળમાં વ્હિકલ ચલાવી ન શકતા વ્હીકલ પાર્ક કરીને સલામત સ્થળે પહોંચી ગયા હતા. બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા ઠંડક પ્રસરી ગઇ હતી. અસહ્ય ઉકળાટથી ત્રાસી ગયેલા લોકોએ રાહત અનુભવી હતી.