આદિપુર અને અંજાર વચ્ચે મેઘપર કુંભારડીની હદમાં આવેલી કેનાલમાં ડૂબી જતાં 17 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં કારણ અકબંધ રહ્યું હતું. તો તા.31 મે ના રોજ ગાંધીધામ રેલ્વે સ્ટેશન નજીક રહેતા યુવાને ધતૂરો ખાઇ લીધા બાદ ભુજ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મેઘપર કુંભારડી શનિદેવ મંદીર પાછળ રહેતો 17 વર્ષીય પ્રકાશ બાબુભાઇ કોલી શનિદેવ મંદીર પાસે આવેલી કેનાલમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. ગત બપોરે 2.30 વાગ્યાના અરસામાં બનેલા બનાવમાં આ યુવાન ડૂબી ગયો કે ઝંપલાવ્યું તે કારણ અકબંધ રહ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તો ગત તા.31/5 ના રાત્રે 3 વાગ્યાના અરસામાં ગાંધીધામ રેલ્વે સ્ટેશન પાસે મેલડી માતાજીના મંદિર પાછળ રહેતા 18 વર્ષીય વિષ્ણુ મંગાભાઇ દેવીપૂજકે ધતૂરો ખાઇ લેતાં બેભાન થયો હતો જેને પ્રથમ ગાંધીધામ હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ગત રાત્રે 2.30 વાગ્યાના અરસામાં તેણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પોલીસે કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.