મુન્દ્રાનો નામીચો બુટલેગર 13 હજારના શરાબ સાથે ઝડપાયો

મુન્દ્રા સ્થિત સોસાયટી વિસ્તારમાં દરોડો પાડી સ્થાનીક પોલીસે એક નામચીન બુટલેગરને 13,300 રૂપિયાની કિંમતના દેશી બનાવટની વિદેશી શરાબની 38 બોટલ સાથે દબોચી લીધો હતો. પોલીસ દફતરેથી હેડ કોન્સ્ટેબલ મુકેશ રાજાભાઈ ભડકાની ફરીયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ મળેલી અંગત બાતમીના આધારે તેમણે દારૂના ધંધાર્થી મહેશ આર ઠક્કરના શિવપારસ સોસાયટી સ્થિત ભાડાના મકાનમાં મંગળવારે રાત્રે નવ વાગ્યાના સમયગાળા દરમિયાન છાપો માર્યો હતો. ત્યાં દાદરા નીચે બનેલ ભોખારમાં છુપાવાયેલી દેશી બનાવટની વિદેશી શરાબની 750 એમએલ પાર્ટી સ્પેશ્યલ બ્રાન્ડની 38 બોટલ કિંમત 13,300ની શોધી કાઢી આરોપી મહેશની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ તળે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સૂચિત આરોપી અગાઉ પણ બે વખત વિદેશી શરાબનું વેચાણ કરતા ઝડપાઇ ચુક્યો છે. પોલીસને ભાડે રખાયેલા મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની સચોટ બાતમી મળતા દરોડો પાડયો હતો.