કમોસમી વરસાદને કારણે કેસર કેરીની સિઝન 3 અઠવાળિયા પહેલા જ થઈ જશે પુરી

રાજકોટ: દર વર્ષે કેરીની સીઝનની આતુરતાથી રાહ જોતા લોકો માટે આ વર્ષે ઘણુ ખરાબ રહ્યું. આ વર્ષે કેરી માર્કેટમાં ઘણી મોડી આવી તો પછી લોકડાઉન અને કમોસમી વરસાદને પગલે કેસર કેરીની સિઝન આ વર્ષે 3 અઠવાડીયા વહેલી સમાપ્ત થઈ જશે.કેશર કેરી માટે જાણીતા ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલીના ખેડુતો દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
હાલમાં રહેલો કેસર કેરીનો સ્ટોક માર્કેટમાં માત્ર 25 દિવસ ચાલે તેટલો જ છે. સતત વરસી રહેલા કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે કેસર કેરીને ભારે નુકશાન પહોંચ્યુ છે. જેને લીધે હવે ખેડુતો જ કેસર કેરીની સીઝનને પુરી કરવા મજબુર બન્યા છે.
આ વર્ષે કેરીની સીઝનની શરૂઆતથી જ એક પછી એક સમસ્યા સામે આવી રહી છે.આ વર્ષે કેરીની સીઝન જ મોડી આવી અને પછી લોકડાઉન અને હવે કમોસમી વરસાદને પગલે કેરીની સીઝન દર વર્ષની તુલનામાં વહેલી પુરી થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વર્ષે 48,000 હેકટરમાં કેસર કેરી ઉગાડવામાં આવી હતી. જોકે ખરાબ વાતાવરણને કારણે હવે સીઝન ગત વર્ષ કરતાં 25 દિવસ વહેલી પુરી થશે.
કેશર કેરીની સૌથી વધુ હરરાજી જયાં થાય છે તે તલાલા એપીએમસી યાર્ડમાં જ કેસર કેરીનાં બોકસની આવક ઘટાડવામાં આવી છે. આ વર્ષે હરરાજી 10 દિવસ મોડી થઈ. સીઝન ટોચ પર હતી. ત્યારે દરરોજ 40,000 થી 45,000 (દરેક 10 કિલોના)ના બોકસની આવક રહેતી જે ઘટીને હવે માત્ર 11,000 બોકસ થઈ ગઈ છે તેવુ એપીએમસીનાં સેક્રેટરી એચએચ ધરાસનીયાએ જણાવ્યું હતું.
અનેક ખેડૂતોએ ગત સપ્તાહે વાવાઝોડાની આગાહીનાં પગલે વધુ નુકશાન ન થાય તે માટે કાચી કેરીઓ કાઢી લીધી હતી. ખેડુતોને વેપારીઓ પાસેથી તેની સારી આવક પ્રાપ્ત થઈ હતી. હવે આ કેરીઓને કઈ રીતે પકવવી તે વેપારીઓ પર આધારીત છે. અમે તો કેરીની સીઝન પુરી થયાની જાહેરાત કરી દીધી છે. તેવુ અમરેલીનાં ધારી તાલુકાનાં એક ખેડુતે જણાવ્યું હતું.કેસરી કેરીનાં ખેડુતોની સાથે કચ્છી કેસર કેરીનાં ખેડુતોની પણ આવી જ કંઈક હાલત છે.
7 જુનનાં રોજ આવેલા વાવાઝોડાને પગલે વૃક્ષો પર રહેલા કેરીનાં ફળને ભારે નુકશાન પહોંચ્યુ છે. તેવુ અંજાર તાલુકાના રઘુ આહીરે જણાવ્યું હતું. લોકડાઉનના પગલે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં કેરી ઉંચી કિંમતે વેંચાઈ, માંગને પહોંચી વળવા ખેડૂતોએ કાચી કેરી મોટા પ્રમાણમાં વેપારીઓને વેંચી દીધી હતી જેને વેપારીઓએ કૃત્રિમ રીતે પકવી હતી અને વાવાઝોડાની આગાહીના પગલે ખેડૂતોએ બાકીનાં કેરીનો પાક પણ ઉતારી લીધો હતો તેવુ ગીર ગઢડાનાં ખેડુતે જણાવ્યું હતું.