રાજ્યના 45 તાલુકામાં હળવાથી વરસાદ, જૂનાગઢના માળિયા અને બોટાદના ગઢડામાં અતિ ભારે વરસાદ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં પડી રહ્યો છે. રાત્રે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 45 તાલુકામા હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળિયામાં 2.4 ઇંચ, બોટાદના ગઢડામાં 2.2 અને પોરબંદરના કુતિયાણાના 2 ઇંચ વરસાદ પડ્યો છે.

સોરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સોરઠ પંથકમાં મેઘ મહેર થતાં ખેડુતોએ વાવણી કાર્યનાં શ્રીગણેશ કર્યા છે. જોકે અમુક વિસ્તારોમાં કેરીનાં પાક તેમજ ઊનાળુ પાકને વ્યાપક નુકશાન થયું છે. ત્યારે જ ગુરૂવારે પણ સોરઠ પંથકમાં અનેક જગ્યાએ એક થી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ગુરૂવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘાવી માહોલ જોવા મળ્યો હતો અને માળિયામાં, મેંદરડા, શાપુર માણાવદર, વિસાવદરમાં ધોધમાર વરસાદ પડયો હતો. અને વંથલી, જૂનાગઢ, કેશોદમાં ઝાપટા પડ્યા હતાં. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવી અને મુંદ્રામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે.