સખી ગ્રામ હાટ ખાતેથી રૂ. ૬૫ માં N-95 તેમજ રૂ.૫ માં ટ્રીપલ લેયર માસ્કનુ વેચાણ શરૂ

મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી સમગ્ર રાજયમાં સૌપ્રથમ ભાવનગરે આ એકમની શરૂઆત કરી

ભાવનગર જિલ્લાની ગ્રામીણ બહેનો આર્થિક રીતે સ્વ:નિર્ભર થઈ શકે તે માટે એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત ગ્રામિણ શ્રેત્રે સ્વ:સહાય જૂથોની રચના કરવામાં આવેલ છે. આ જૂથો વિવિધ હાથ બનાવટની અને જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કરે છે. આ વસ્તુઓના વેચાણ માટે પ્લેટફોર્મ પુરૂ પાડવાના હેતુસર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી- ભાવનગર દ્વારા ગુજરાત રાજ્યમા પ્રથમ વખત સખી ગ્રામ હાટ શરૂ કરેલ છે. જેમાં મહિલાઓના સ્વ:સહાય જૂથ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. હાલમાં માહિલાઓના સ્વ:સહાય જૂથ દ્વારા એન-૯૫ તેમજ ટ્રીપલ લેયર માસ્ક લોકોને વ્યાજબી ભાવે સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી એન-૯૫ રૂ.૬૫ના દરે તેમજ ટ્રીપલ લેયર માસ્ક ૫ રૂ.ની કિંમતે સખી ગ્રામ હાટ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણ કુમાર બરનવાલના પ્રયત્નથી ઉપલબ્ધ કરાવવામા આવ્યા છે. આ સિવાય આ સ્થળે એલોવેરા જ્યૂસ, વુડન ટોય (લાકડાના રમકડાં), સોફ્ટ ટોય (કાપડના રમકડાં), હાથ બનાવટના ખાખરા, મસાલા, બેકારીની આઇટમ્સ, અથાણા, આયુર્વેદિક સ્વાસ્થ્ય વર્ધક,સેનેટરી પેડ, જ્યુટ બેગ, કલોથ બેગ, ટ્રાવેલ બેગ, સ્કૂલ બેગ, ઇમિટેશન જવેલરી, બાયો ફીનાઈલ, સી વિડ (પ્લાન્ટ ગ્રોથ હોર્મોન્સ) જેવી વસ્તુઓનું વેચાણ કરવામા આવી રહ્યુ છે.આ માસ્ક સખી ગ્રામ હાટ, દુકાન નં.- જી ૧૭, બિઝનેસ શોપિંગ સેન્ટરની સામે, શેઠ નગીનદાસ વાણિજ્ય ભવન, ઘોઘા ગેટ ખાતે લોકોને સરળતાથી ઉપલબ્ધ થશે. વધુ વિગત માટે ૯૦૨૩૩૧૯૦૦૮ પર સંપર્ક કરવો.આ ગ્રામહાટની આપના મિત્ર વર્તુળ તેમજ સગા સબંધી સર્વેને જાણ કરી ખરીદીનો લાહવો લેવા તેમજ વડાપ્રધાના શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા સખી ગ્રામ હાટ દ્વારા અનુરોધ કરાયો છે.