ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બાથરૂમમાં બાઈક તસ્કરીના શખ્સે કર્યો આપઘાતનો પ્રયાસ

ભુજ : શહેરમાં થયેલી બાઈકચોરીના ગુનામાં પોલીસે અંજારમાંથી પકડેલાં યુવકે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના બાથરૂમમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાથરૂમમાં આ યુવાને હાથમાં કાચ વડે નસ કાપી નાખી હતી. બનાવને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ભુજમાં પાંચેક દિવસ અગાઉ લેવા પટેલ હોસ્પિટલ નજીકેથી બાઈકની ચોરી થઈ હતી. જેની તપાસમાં પોલીસે અંજારના ગંગાનાકે રહેતા ૩૮ વર્ષિય ગિરીશ કારુભાઈ લાપુચાનું નામ ખુલતા તેની અટક કરી હતી. દરમિયાન ભુજ એ ડિવિઝન પોલીસ મથકના બાથરૂમમાં યુવાને આપઘાતનો પ્રયાસે કર્યો હતો. આરોપીએ પોલીસ મથકના બાથરૂમમાં જઈ બારીનો કાચ તોડીને કાઢી ડાબા હાથ પર ચેકો માર્યો હતો. લોહી નીતરતો હાથ જોઈનો પોલીસ સ્ટાફ ચોંકી ગયો હતો. અને ઘાયલ યુવાનને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્‌યો હતો. આ અંગે પી.આઈ એમ.આર.બારોટે જણાવ્યું હતુ કે, યુવકનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.