પતિની મહિલામિત્રની માથાકુટથી કંટાળી જઇ માતા અને પુત્રીએ ફિનાઇલ પી લેતા ચકચાર

શાપર વેરાવળમાં રહેતાં શોભનાબેન કિશોરભાઇ વાળા (વણકર) (ઉ.વ.૩૪)એ સાંજે ફિનાઇલ પી લેતાં તેની પાછળ પુત્રી મોનાલી (ઉ.૧૭) પણ પી જતાં મા-દિકરી બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ શાપર પોલીસને જાણ કરી હતી. શોભનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ કિશોરભાઇ વાળા રિક્ષા હંકારે છે. શોભનાબેનના પુત્ર મયુર (ઉ.૨૦)એ જણાવ્યું હતું કે મારા પિતાને શાપરની જ એક મહિલા સાથે મિત્રતા છે. ગઇકાલે પતિની આ મહિલામિત્ર સાથે મારા મમ્મીને માથાકુટ થઇ હતી. એ પછી આ મહિલાએ પોલીસ ફરિયાદ કરી તેમાં મારું નામ પણ લખાવતાં પોલીસે મને અટકાયત કરી બેસાડી દીધો હતો. હું તો માથાકુટમાં  હાજર નહોતો છતાં મારું નામ અપાતાં અને પોલીસ મને લઇ જતાં મારા માતા દુઃખી થઇ જતાં તેણે ફિનાઇલનો ઘુંટડો ભરી લીધો હતો અને તેમની પાછળ મારી બહેને પણ ફિનાઇલ પી લીધુ હતું. પિતાની મહિલામિત્ર ચારેક વર્ષથી હેરાન કરતી હોવાનો આક્ષેપ પણ મયુરે કરતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.