સુશાંતસિંહના આપઘાતનું દુઃખ સહન ન થતાં ૨૧ વર્ષની યુવતીએ કર્યો આપઘાત
 
                
હૈદરાબાદ: બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાતનું દુઃખ સહન ન થતાં એક ૨૧ વર્ષીય યુવતીએ વિશાખાપટ્ટનમ ખાતે આપઘાત કરી લીધો છે. મળતી માહિતી પ્રમાણે યુવતી વ્યવસાયે શિક્ષિકા હતી અને એક ખાનગી સ્કૂલમાં નોકરી કરતી હતી. મળતી માહિતી પ્રમાણે, સુશાંતસિંહે આપઘાત કર્યો ત્યારથી યુવતી ખૂબ જ દુઃખી હતી અને સતત સુશાંતસિંહના વીડિયો જાયા કરતી હતી. એટલું જ નહીં આ જ કારણે તેણી ઊંડી ઉદાસીમાં સરી પડી હતી. યુવતીના પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, બુધવારે તેની દીકરીએ પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ શુક્રવારે સામે આવ્યો હતો. હાર્બર ડિવિઝનના એસીપી ટી મોહન રાવે આ મામલે જણાવ્યું હતું કે, “યુવતી સતત સુશાંતસિંહના વીડિયો જાયા કરતી હતી અને ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તમામ લોકો ઘરે હતા ત્યારે તેણી બેડરૂમમાં ગઈ હતી અને પોતાની જાતને અંદરથી બંધ કરી દીધી હતી. જે બાદમાં તેણીએ આપઘાત કરી લીધો હતો.” યુવતીનો પરિવાર મધ્યમવર્ગમાંથી આવે છે. તેના પિતા દરજીકામ કરે છે. યુવતી એક સ્થાનિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. પોલીસ તપાસમાં માલુમ પડયું છે કે, યુવતી તેના મોબાઈલમાં સતત સુશાંતસિંહ રાજપૂતના વીડિયો જોતી હતી. યુવતીના પિતાએ પણ પોલીસને જણાવ્યું હતું કે તેણી સુશાંતસિંહની ચાહક હતી.
 
                                         
                                        