સુરતમાં મહિલા કાર્યકર વિશે સોશિયલ મીડિયામાં અસભ્ય લખાણ લખનાર ઝપેટમાં


સુરત : ઉત્તર પ્રદેશની રાજકીય પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા તેમજ સુરતમાં સામાજિક કાર્યકર તરીકે કામ કરતી એક મહિલા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અસભ્ય લખાણ લખવામાં આવતા આ મુદ્દે પોલીસ ફરિયાદ થઈ છે. આ મુદ્દે વધારે તપાસ કરતા આવું લખાણ લખનાર વ્યક્તિ મહિલાના પતિનો એક મિત્ર જ નીકળ્યો છે. જે બાદમાં મહિલા વિરુદ્ધ સોશિયલ મીડિયા માં અપશબ્દ સાથે રખેલ બનવાનું કહી અભદ્ર માંગણી કરનાર પતિના મિત્ર વિરુદ્ધ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે અભદ્ર પોસ્ટ લખનાર મિત્રની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને ઉત્તર પ્રદેશની રાજકીય પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા અને સુરતના સામાજીક કાર્યકર વિરૂદ્ધ અશ્લીલ લખાણ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાની જાણકરી આ મહિલા કાર્યકર્તા અને તેના પતિને થઈ હતી. જેમાં માલુમ પડ્યું હતું કે જમીન દલાલીનો વ્યવસાય કરતા પતિના એક મિત્ર આઝાદસિંગ ઓમપ્રકાશસિંગ રાજપૂતે અઠવાડિયા અગાઉ પોતાના ફેસબુક આઇડી પરથી સામાજીક કાર્યકર નયનાના અશ્લીલ લખાણવાળી પોસ્ટ અને વીડિયો અપલોડ કર્યો હતો. જોકે, તેણે ગણતરીના કલાકોમાં જ તમામ વીડિયો હટાવી દીધા હતા.