બનેવી સાથેના પ્રેમપ્રકરણની જાણ પરિવારને થતાં યુવતીએ મોતને ભેટી

સુરત જિલ્લાના બારડોલીની મીંઢોળા નદીના પુલ પરથી કૂદકો મારી યુવતીએ આપઘાત કરવાના પ્રકરણમાં યુવતીનું તેના બનેવી સાથે પ્રેમપ્રકરણ હોવાનું સામે આવ્યું છે. પ્રેમપ્રકરણની જાણ તેની બહેનને થતાં તેણીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યુ હતું. આ અનુસાર  વિગતો મુજબ બારડોલીના મીંઢોળા નદીના પુલ પર મોપેડ મૂકી શેઠ ફળિયામાં રહેતી 23 વર્ષીય યુવતી દિપીકા જયેશ મુનીરાજ નાયડુ નદીમાં કૂદી પડી હતી. રોડ પરથી પસાર થતાં રાહદારીઓએ આ સમગ્ર ઘટના જોતા બારડોલી પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે અંદાજિત દોઢ કલાકની જહેમત બાદ રાત્રે જ યુવતીની લાશ બહાર કાઢી હતી. આ દરમ્યાન પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે દિપીકાને પોતાના બનેવી મિતેશ રમણભાઈ પટેલ સાથે છેલ્લા સાતેક મહિનાથી પ્રેમસંબંધ હતો. દિપીકાની બે બહેનો પુષ્પા અને મીનાક્ષીના લગ્ન સુરત ખાતે થયા હતા. દિપીકા છેલ્લા ઘણા સમયથી મોટી બહેન પુષ્પાના ઘરે રહેતી હતી. આ દરમ્યાન તે બીજી બહેન મીનાક્ષીને ત્યાં પણ આવતી જતી હોય તેના પતિ મિતેશ પટેલ સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. બનેવી સાથેના પ્રેમ સંબંધની જાણ પરિવારજનોને થતાં દિપીકાને બારડોલી બોલાવી લેવામાં આવી હતી. દરમ્યાન મંગળવારના રોજ મીનાક્ષી આ પ્રેમ સંબંધ બાબતે દિપીકાને સમજાવવા માટે આવી હતી. જે બાબતે માઠું લાગી આવતા દિપીકા રાત્રે 8.30 વાગ્યાની આસપાસ ઘરમાંથી મોપેડ લઈને નીકળી ગઈ હતી અને પૂરઝડપે મોપેડ હંકારી મીંઢોળા નદીના પુલ પર મૂકી તેણીએ નદીમાં ભૂસકો મારી દીધો હતો. સમગ્ર ઘટના અંગે બારડોલી પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ ટાઉનબીટ જમાદાર ભાવેશ મકવાણા કરી રહ્યા છે.