આધોઈમાં બાઈકથી કાર ટકરાવી 6 ઇસમોએ યુવક પર કર્યો હુમલો

ગાંધીધામ: ભચાઉ તાલુકાના આધોઈ ગામમાં ઈશ્વરિયા મહાદેવ મંદિર પાસે એક યુવાનના બાઈકમાં પાછળથી ગાડી ટકરાવી તેના ઉપર ધારિયાં, પાઈપ, લાકડી વડે હુમલો કરતાં 6 ઇસમો સામે પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.ભચાઉ તાલુકાના નરા ગામમાં રહેનારો ચનુભા ગંભીરસિંહ જાડેજા (ઉ.વ. 38) નામનો યુવક કામ અર્થે આધોઈ ગામે આવ્યો હતો. આ યુવક પોતાનું કામ પતાવી પોતાના મિત્ર વિનોદ પ્રજાપતિનું બાઈક નંબર જી.જે. 12- આર. 7169વાળું લઈને પરત નરા જઈ રહ્યો હતો.આ યુવક ઈશ્વરિયા મહાદેવ મંદિર નજીક પહોંચે તે પહેલાં તેના બાઈકમાં પાછળથી વેરીટો કાર નંબર જી.જે. 6 એફ.કે. 7470વાળી ભટકાઈ?હતી.આ કારમાંથી હરભમ વેરશી રબારી, રાણા સોના રબારી, રૂપા મલુ રબારી, રણછોડ સામા રબારી તથા બે અજાણ્યા ઇસમો ધારિયુ, લોખંડના પાઈપ, લાકડી લઈને નીચે ઉતર્યા હતા અને તું અમારા ગામમાંથી બસ સ્ટેશન રોડથી અવાર-નવાર શા માટે પસાર થાય છે તેમ કહી તેના ઉપર હુમલો કરી ભાગી ગયા હતા. આ બનાવ બાદ ફરિયાદી યુવાન અડધો કલાક સુધી રોડની બાજુએ કણસતી હાલતમાં પડયો હતો. બાદમાં તેના સગા આવતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે જીવલેણ એવા આ હુમલામાં યુવકને માથાં, છાતીમાં ઈજાઓ પહોંચી હતી તેમજ બંને પગ અને એક હાથમાં અસ્થિભંગની ઈજાઓ થઈ હતી. આ છ ઇસમો સામે  પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.’