ફેસબુક અને બાદમાં વોટ્સએપના માધ્યમથી બિદડાની ગૃહિણી પાસેથી ધુતારાઓએ કરી 7.82 લાખની છેતરપિંડી

ભુજ: ફેસબુક અને બાદમાં વોટ્સએપના માધ્યમથી પરિચયમાં આવેલા બે અજાણ્યા ઇસમે બિછાવેલી જાળમાં ફસાયેલા માંડવી તાલુકાના બિદડા ગામના ગૃહિણી સુધાબેન બિપીન (બુધીયા) સંઘારે રૂા. 7.82 લાખની રોકડ રકમ ગુમાવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ પ્રકરણમાં મોબાઇલ ફોનના નંબરના આધારે પાંચ વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી ગુનો ઉચાપત અને વિશ્વાસઘાત સહિતની કલમો તળે માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો હતો. ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી પરિચયમાં આવેલા અને પોતાનું નામ જોશ અને દેલ્હી બતાવનારા બન્ને અજાણ્યા ઇસમે સુધાબેનની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરીને તેમને ભેટ મોકલવાની વાત કરી હતી. આ પછી કસ્ટમ ઓફિસના નામે સમગ્ર ત્રાગડો શરૂ થયો હતો અને આ બિદડાવાસી ગૃહિણી પાસેથી રૂા. 7.82 લાખની રકમ ધૂતી લેવાઇ હતી. આ બાબતે અલગ-અલગ સમયે સુધાબેન સાથે વાત કરનારા અલગઅલગ પાંચ મોબાઇલ ફોનના ધારકને આરોપી બતાવી તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદને ટાંકીને પોલીસ સાધનોએ જણાવ્યું હતું કે સુધાબેન જેઠવા સુધાદીદી જેઠવાના નામે ફેસબુક એકાઉન્ટ ધરાવે છે. પાંચેક મહિના પહેલાં ફેબ્રુઆરી માસમાં તેમના ફેસબુક ઉપર જોશ અને દેલ્હી નામધારી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જેમાં જોશે પોતે સ્વીડનનો હોવાનું અને દેલ્હીએ પોતે લંડનનો હોવાની વાત કરી હતી. આ બન્ને જણ અંગ્રેજીમાં વાતચીત કરતા હોવાથી અને સુધાબેનને અંગ્રેજી આવડતી ન હોવાથી તેઓ ગૂગલ ટ્રાન્સલેટ એપ્લિકેશનના આધારે બન્ને સાથે ચેટિંગ કરતાં હતાં.’દરમ્યાન કેસના ફરિયાદી સુધાબેને તેમના શેષનાગ યક્ષબૌંતેરા મંદિર (આશ્રમ)માં ચાલતી સેવાકીય પ્રવૃત્તિની વિગતો અને ફોટા ફેસબુક ઉપર મુકતાં જોશ અને દેલ્હીએ ભેટ મોકલવાની વાત કરી. ભારતમાં રૂપિયા ભરીને પાર્સલ છોડાવી લેવા કહ્યું હતું. આ પછી તબક્કાવાર અલગ-અલગ સમયે આવેલા ફોનમાં કસ્ટમ ઓફિસમાંથી બોલાવીએ છીએ, તમારું પાર્સલ છોડાવી જાવ તેવું કહીને પાર્સલના ફોટા મોકલી રૂપિયા બેન્કના ખાતાંમાં ભરાવાયા હતા. બાદમાં પાર્સલમાં કિંમતી સોનાના દાગીના હોવાની વાત કરી એક પછી એક રૂપિયા ભરાવ્યે રાખ્યા હતા. આમ કુલ રૂા. 7.82 લાખની રકમ ભરાવ્યા પછી પાર્સલ ન મોકલી કે રૂપિયા પરત ન આપી ઉચાપત કરાઇ હતી તેવું ફરિયાદમાં લખાવાયું છે.”