યોજના હેઠળ પસંદગી પામેલ ચોમલ ગામમાં પાયાની સુવિધાઓ ઉભી કરી ગામનો સર્વાંગી વિકાસ કરાશે

        ભાવનગર: ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ચોમલ ગામની પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી થયેલ છે.જે અંતર્ગત ગામની પાયાની મૂળભૂત સુવિધાઓ, જરૂરિયાત તથા પ્રશ્નો જાણી તેનું યોગ્ય નિરાકરણ લાવી ગામનો સર્વાંગી વિકાસ આ યોજના હેઠળ સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવનાર છે.જે બાબતની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલના અઘ્યક્ષ સ્થાને સમિતિના તમામ સભ્યો તથા ગ્રામજનો વચ્ચે ચોમલ ગામ ખાતે આજરોજ યોજાઈ હતી. પાયાના પ્રશ્નો તો જ જાણી શકાય જો સંલગ્ન સ્થળની જાત મુલાકાત લઈ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ થાય.આ ન્યાયે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પણ એક અનોખી પહેલ કરી આ બેઠક કચેરીના વતાનુકૂલ ખંડમાં યોજવાને બદલે ચોમલના ગ્રામજનો સાથે જ યોજવાનું આયોજન કર્યું હતું.અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાની ગ્રામિણ સ્તરની સમિતિ તેમજ વિવિધ વિભાગોના ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે આ બેઠકમા સંવાદ કર્યો હતો. જેમા ગામમા વીજળી, અનાજ વિતરણ, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, બેંક યોજનાઓ નરેગા, બાગાયત પાક, N.R.L.M., સખીમંડળો, આંગળવાડી, બાંધકામ, પાણી વગેરે જેવા મુદ્દે ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી અને તમામ મુદ્દે અસરકારક અમલવારી કરવા વિવિધ વિભાગના ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાની માર્ગદર્શિકામાં દર્શાવેલ સૂચક કામોની વિગતમાં પીવાનું પાણી અને સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, સામાજિક સુરક્ષા, ગ્રામીણ માર્ગો અને ગૃહ નિર્માણ, વીજળી અને સ્વચ્છ બળતણ, કૃષિ પદ્ધતિ વગેરે, નાણાકીય બાબતો, ડિજીટાઇઝેશન, રોજગાર અને કુશળતા વિકાસનો સમાવેશ કરવામા આવ્યો છે.આ તમામ મુદ્દાઓ ને આવરી લઈ આગામી સમયમાં ચોમલ ખાતે કામગીરી હાથ ધરાશે. આ બેઠકમા નાયબ નિયામક અનુસુચિત જાતીના શ્રી આર.યુ.પરમાર, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી આર.ડી.પરમાર, કાર્યપાલક ઈજનેર શ્રી ડી.આર. પટેલ, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કાંતાબેન પરમાર, સરપંચશ્રી ચોમલ ગ્રામ પંચાયત સહિત જિલ્લા તથા ગ્રામિણ સીટની સમીતીના તમામ સભ્યો તથા બહોળી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(રીપોટર એજાજ શેખ)