જૂનાગઢમાં માંગરોળ તાલુકાના ઓસા ઘેડ ગામે આર્થિક સંકળામણના લીધે ખેડૂતે કરી આત્મહત્યા


જૂનાગઢઃ કોરોના વાયરસ મહામારીને લીધે દેશભરમાં બે મહિના સુધી ચાલેલા લૉકડાઉનને લીધે અનેક લોકોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે. ખેડૂતો સહિત અનેક લોકોની હાલત કફોડી બની છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઓસા ઘેડ ગામે એક ખેડૂતે આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણને લીધે ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. પોતાના ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરનાર ઓસા ઘેડ ગામના ખેડૂતનું નામ રામદેભાઈ બચુભાઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમના ખિસ્સામાંથી એક ચીઠ્ઠી પણ મળી આવી છે. જેમાં આર્થિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ખેડૂતના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. તેમની પાસે પાંચ-છ વિઘા જેટલી જમીન હોવાનું સામે આવ્યું છે. ખેડૂતે પોતાના ખેતરમાં દવા પીધી હતી. આ ઘટનાની જાણ થયા બાદ તેમને કેશોદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.