બામરોલી ગામે બાવળના ઝાડ ઉપરથી મળી યુવકની લાશ

શહેરા:બામરોલીના રયજીભાઈ પરમારના પુત્ર અશોકની લાશ ખેતરમાં બાવળના ઝાડ પર હાથ બાંધેલ અને દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર ગત રાત્રિના અશોક ઘરે હતો ત્યારે તેના મોબાઈલ પર કોઈનો ફોન આવતા તે બહાર ગયો હતો. ત્યારબાદ રાત્રિએ અશોક ઘરે પરત ના આવતા પરિવારજનો ભારે ચિંતિત થયા હતા, જ્યારે આજરોજ વહેલી સવારે  ખેતરમાંથી તેની લાશ મળતા લોકો દોડી આવ્યા હતા અને શહેરા પોલીસ સ્ટેશને જાણ કરતા શહેરાના પોલીસ ઇન્સપેક્ટર પ્રજાપતિ અને પોસઇ ભરવાડ સહિતના સ્ટાફે બનાવ સ્થળે પહોંચી યુવાનની લાશને ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જોકે પોલીસ સમક્ષ મૃતકના પરિવારજનો લાડકા દીકરાની હત્યા થયાનું રટણ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતકના પગ જમીનને અડી રહેવાની સાથેસાથે હાથ બાંધેલી હાલતમાં ઝાડ પર લાશ લટકેલ હાલતમાં મળતા ગ્રામજનો અને પરિવારજનો યુવકની હત્યા થયાની  ચર્ચા થઈ હતી. ત્યારે ખરેખર હત્યા થઈ છેકે નહીં તે તો પોસ્ટમોર્ટમ પછી જ ખબર પડશે. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ નોંધી હતી.