આર્થિક ભીંસથી કંટાળીને ગંજીવાડાના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શહેરનાં ગંજીવાડા શેરી ૨૯માં રહેતા બારોટ યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવ અંગે થોરાળા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગંજીવાડા શેરી નં.૨૯માં આવેલા દલીતવાસમાં રહેતા છૂટક મજુરી કામ કરતા સાકરભાઈ ઉર્ફે ગુલાબ રામભાઈ બારોટ નામના ૩૦ વર્ષિય યુવાને આર્થિક ભીંસથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે. આપઘાતના બનાવ અંગેની જાણ થતા થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.બી. વડાવીયાએ દોડી જઈ મૃતદેહને નીચે ઉતારી પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જયારે માનસરોવર પાર્ક પાસે આવેલી માધવ વાટીકામાં રહેતા છૂટક મજુરી કામ કરતા સંજય રમેશ બાંભણીયા નામના ૨૨ વર્ષિય કોળી યુવાને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.