શરાબમાં પાણી મિક્સ કરી ચલાવાતો ગોરખધંધો પકડાયો

ગાંધીધામ: એ ડિવીઝન પોલીસે ચુડવા સીમમાં આવેલા જવાહર નગરમાં દરોડો પાડીને શરાબની બોટલોને ખાલી કરી, તેમા ફરી પાણી મીક્સ કરીને હોય તેના કરતા વધુ બોટલો બનાવવાનો ‘ગ્રુહ ઉધોગ’ પકડી પાડ્યો હતો. ઇસમો સ્થળ પર મળી આવ્યા નથી, પરંતુ બંન્ને સામે ફરિયાદ નોંધાઈ છે. તો સ્થળ પરથી ભરેલી સાથે ખાલી બોટલો સહિતનો 3100થી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે બાતમીના આધારે સોમવારના રાત્રે જવાહર નગર, અર્બુદા હોટલ પાસે અલગ અલગ ઓરડીઓમાં દરોડો પાડ્યો હતી. જેમાંથી 5 અંગ્રેજી દારુની બોટલ, 230 ખાલી બોટલ, રોયલ સ્ટેગ લખેલા 152 સ્ટીકર, 306 બુચ, ઢાંકણા, 35 પ્લાસ્ટીકના કેરબા મળીને કુલ 3138ની કિંમતનો સામાન મળી આવ્યો હતો. સ્થળ પરથી રુમ ભાડે રાખનાર આરોપી લકીરાજસિંહ ધર્મેંદ્રસિંહ જાડેજા (રહે. ભારતનગર, ગાંધીધામ) અને ભાવેશ ડાયાલાલ આહિર (રહે. અંતરજાળ, આદિપુર) મળી આવ્યા નહતા. જેમના વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.