ગુજરાતમાં વીજળી ત્રાટકતા 10 ના મોત, સૌરાષ્ટ્રમાં 8 લોકોનો લીધો ભોગ

ચોમાસાની શરૂઆત સાથે આ સિઝન લોકો માટે મોતનું કારણ બનીને આવી હોય તેમ લાગે છે. સૌરાષ્ટ્રમાં આજે કડાકાભડાકા સાથે વરસેલા વરસાદ દરમ્યાન આકાશી વીજળી યમદૂત બનીને ત્રાટકતાં અલગ -અલગ ઘટનામાં 8 લોકો કાળનો કોળિયો બની જતાં અરેરાટી પ્રસરી હતી. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ગામમાં વીજળી પડવાના કારણે માતા-પુત્રના કરૂણ મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે રહેતા ખેડૂત પરિવારના કેટલાક સદસ્યો બપોરે તેમની વાડીએ હતા ત્યારે વીજળી પડતા કાકી-ભત્રીજીએ અને કાલાવડ તાલુકામાં એક યુવાને પ્રાણ ગુમાવ્યા હતા, જ્યારે બોટાદ જિલ્લામાં એક વૃદ્ધ, એક કિશોરી અને એક યુવતીનાં મોત થયા હતા.

બોટાદ જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે આકાશમાં વીજળીના કડાકા સાથે આજે સવારે લાઠીદડ ગામે વીજળી ત્રાટકતાં ખેતરમાં નિંદામણનું કામ કરી રહેલા ઘનશ્યામભાઈ નાનજીભાઈ ચૌહાણ(60) તેમ જ જ્હાન્વીબેન વિજયભાઈ ચૌહાણ(ઉં.વ.આશરે સાડા પાંચ વર્ષ)અને તાલુકાના સરવઈ ગામે ગુડીબેન જીવરાજભાઈ ભાટવાલિયા(18) નામની યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.