ગોલીટા ગામે રૂપિયાની લેતી-દેતી મુદ્દે યુવાનની હત્યાનો પ્રયાસ કરાયો

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગોલીટા ગામે સોમવારે રાત્રે એક યુવાન પર ગામના જ કોઇ એક શખ્સે છરી વડે હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડી હતી. રૂપિયાની લેતી-દેતી અને બોરમાંથી પાણી લેવા બાબતે બોલાચાલી કરી યુવાનની હત્યાનો પ્રયાસ આરોપી નાશી ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે. ધ્રોલ તાલુકાના ગોલીટા ગામે ગત તા. 29 ના રોજ રાત્રે સવા અગીયાર વાગ્યાના સુમારે વસંતભાઇ હીરાભાઇ વાઘેલા (ઉ.વ.32) નામના યુવાન પર આ જ ગામમાં રહેતા બિપીનભાઇ ઉર્ફે દિપકભાઇ દાનાભાઇ નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વસંતભાઇને પેટના ભાગે છરીનો એક ઘા ઝીંકી દેવાતા તેના આંતરડા બહાર નીકળી ગયા હતાં. આ બનાવ બાદ ઘાયલ યુવાનને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા ધ્રોલ પોલીસ દફતરના પી.એસ.આઇ. સી.એમ. કાટેલીયા સહિતના સ્ટાફે સ્થળ પર તેમજ હોસ્પિટલ દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી બીપીન સામે આઇપીસી કલમ 307 અને જીપીએકટ 135(1) મુજબ ફરિયાદ નોંધી હતી. આરોપી અને ઘવાયેલા યુવાન વચ્ચે ત્રણેક વર્ષ પહેલા રૂપિયાની લેતી-દેતી બાબતે તથા ગામમાં આવેલ બોરમાંથી પાણી લેવા બાબતે બોલાચાલી થઇ હતી. આ બાબતના મનદુ:ખને લઇને હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.