સુરેન્દ્રનગરના પ્રતિષ્ઠીત ડૉક્ટરનું કોરોના વાયરસના કારણે મોત

સુરેન્દ્રનગર :  કોરોના કાળમાં ડૉક્ટર્સ જે નિષ્ઠાપૂર્વક કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવી છે તે હંમેશા યાદ રાખવા યોગ્ય છે. તેવામાં આજે ડૉક્ટરની સેવાને બિરદાવાના દિવસે જ રાજ્યના એક આશાસ્પદ ડૉક્ટરને કોરોના વાયરસ ભરખી ગયો છે. અમદાવાદ માં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દી અને સુરેન્દ્રનગરના જાણીતા ડૉક્ટર શૈલેષ ચાંપાનેરિયાનું મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગરમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે. તેવામાં ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરે પોતે જ કોરોનાના વાયરસનો ભોગ બનતા સુરેન્દ્રનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ડૉક્ટર્સને હંમેશાથી ભગવાનનો દરજ્જો આપવામાં આવતો રહ્યો છે. આવું એટલા માટે પણ છે કારણ કે તેઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર પોતાના દર્દીઓનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસ કરે છે. આ વર્ષે ડૉકટર્સ ડે (Doctor’s Day) ઘણી રીતે મહત્ત્વનો છે કારણ કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પણ ડૉક્ટર્સ કોરોના મહામારી ની વિરુદ્ધ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સાબિત થયા છે. તેવામાં સુરેન્દ્રનગરના ડૉક્ટર ચાંપનેરિયા કોરોના સંક્રમિત થઈને મોતને ભેટતા તબીબી આલમ સહીત નગરજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ડૉક્ટર ચાંપાનેરિયા અમદાવાદની સીમ્સ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. સુરેન્દ્રનગરમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. સુરેન્દ્રનગરમાં કેટલાક તબીબો પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં જિલ્લામાં કોરોનાના 15 કેસ નોંધાયા હતા. આ ઘટનાના પગલે હાહાકાર મચી ગયો હતો. વિભાગીય નિયામક ડોકટર સતિષ મકવાણાએ લીંબડી કોરોના પોઝીટીવ એરીયા જે કન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરેલ છે તેની મુલાકાત કરેલ તેમજ કન્ટેન્ટમેન્ટ એરીયા તળાવ મહોલ્લા માં સગર્ભા બેન ને કોરોના પોઝીટીવ આવતા આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરેલ ત્યારે આર.ડી.ડી. સતિષ મકવાણાએ વિસ્તારના રહિશો સાથે વાતચીત કરેલ તેમજ વિસ્તારની આરોગ્ય તપાસણી બાબતે પુછપરછ પણ કરી હતી અને આરોગ્ય કર્મચારીઓને પણ રોજેરોજના ચેકઅપ બાબતે પુછપરછ કરી હતી