કુલગામમાં સુરક્ષાદળ સાથેની અથડામણમાં આતંકવાદી ઠાર, જવાન ગંભીર

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે લશ્કર અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં એક લશ્કરનો જવાન પણ ઘાયલ થયો હતો. સુરક્ષા દળોને મળેલી બાતમીને આધારે દક્ષિણ કાશ્મીરના કુલગામમાં અર્રાહ વિસ્તારમાં શનિવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ કર્યું હતું. લશ્કરે પણ વળતું ફાયરિંગ કર્યું હતું જેમાં એક આતંકવાદીને ઠાર કરી દેવાયો હતો. સામ-સામે ગોળીબારમાં લશ્કરના એક જવાનને ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.