પડધરીનાં ખોડાપીપર ગામનાં દંપતીએ ધ્રોલમાં આપઘાતનો પ્રયાસ કરતાં સગર્ભાએ દમ તોડી દેતાં ચકચાર

 

પડધરીમાં ખોડાપીપર ગામનાં દંપતીએ ધ્રોલનાં સસરાનાં ઘરે આપઘાતનો પ્રયાસ કરતાં તેને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. તેમાં સારવારમાં રહેલી સગર્ભાએ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પડધરીનાં ખોડાપીપર ગામે રહેતા ચેતનભાઈ વીરસીંગભાઈ અમલીયા (ઉ.21) અને તેમની પત્ની પાયલ (ઉ.19) ધ્રોલ રહેતા પાયલનાં પિતા મહેન્દ્રભાઈ નાનકાભાઈ પરમારનાં ઘરે હતા ત્યારે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં ત્યાં ઝેરી દવા પી જતાં તેને સારવારમાં ખસેડાયા હતાં. જેમાં પાયલનું સારવારમાં મોત નિપજ્યું હતું. પાયલનાં લગ્નને એક વર્ષ થયું હતું. તેને ત્રણ માસનો ગર્ભ હતો. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે કાર્યવાહી કરી હતી.