જુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત 6 શખ્સોના રિમાન્ડ મંજૂર કરાયા

ભુજ, ગત તા. 29/6ના પોલીસ ટીમ પર જુણા ગામે થયેલા હુમલાના ચકચારી બનાવમાં પકડાયેલા 26 શખ્સો પૈકી મુખ્ય સૂત્રધાર સહિત છ શખ્સોના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. 29ના હુમલા બાદ બીજા દિવસે જુણાની સીમ અને ડુંગરોમાંથી આ કામના આરોપી એવા ત્રણ મહિલા સહિત કુલ 22ને ઝડપી પાડી કોવિડ-19ના ટેસ્ટ કરાવ્યા પછી બધા રિપોર્ટ નેગેટિવ આવતાં 1/7ના વિધિવત અટક પછી કોર્ટમાં રજૂ કરાતાં આ પૈકીના પાંચ શખ્સ એવા અલ્લાબક્ષ હમીર સમા, અજીજ હમીર સમા, સોયબ સુલેમાન સમા, ગફુર સાલે સમા અને અલીમામદ સિધિક સમા તેમજ બાદ ઝડપાયેલા ચાર શખ્સો પૈકીના અને આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર આરોપી સુલેમાન સાધક સમાને પોલીસે ગુના કાર્યવાહી અર્થે રિમાન્ડ માંગતા તેઓના તા. 6/7 સોમવાર સુધી રિમાન્ડ મંજૂર થયા છે. દરમ્યાન, આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવા માટે પણ પોલીસે અલગ-અલગ?ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યાં છે. બીજીતરફ ઝડપાયેલા બધા શખ્સોના કોવિડ-19ના રિપોર્ટ નેગેટિવ આવતાં પોલીસ દ્વારા વિધિવત અટક કરાઇ હતી.’