રાજકોટના લાલપરી તળાવમાં ડૂબી જતાં 11 વર્ષીય તરુણનો મોત

રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં પ્રદ્યુમ્ન ઝૂ પાર્ક નજીક આવેલા લાલપરી તળાવમાં ડૂબી જવાથી 11 વર્ષીય બાળકનું મોત થયું છે. આ અનુસાર રાજકોટ ફાયર બ્રિગેડના ચીફ બી.જે. ઠેબાએ માહિતી આપી હતી કે, 5 વાગ્યા આસપાસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી કોઈએ જાણ કરી હતી કે લાલપરી તળાવમાં કોઈ છોકરો ડૂબી રહ્યો છે. જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો લાલપરી તળાવે પહોંચ્યા હતા. અને તજવીજ હાથ ધરી બાળકને બહાર કાઢ્યો હતો. જોકે ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે હવાલો લઈ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ દરમિયાન મૃતકના પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પોલીસે પૂછપરછ કરતા પરિવારજનોએ જણાવ્યું હતું કે, મૃતકનું નામ વિશાલ રાજુભાઇ સોલંકી છે. અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા શિવનગર શેરી નં. 1 માં રહે છે. ત્યારબાદ વિશાલ ડૂબી ગયાની જાણ થતાં અમે હોસ્પિટલે દોડી આવ્યા હતા. તેના પિતા રાજુભાઇ શાકભાજીની લારી ચલાવે છે. વિશાલ ચોથા ધોરણમાં ભણતો હતો. અને બે ભાઈ તથા 3 બેનમાં ચોથા નંબરનો હતો. વ્હાલ સોયાના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો છે.