અબડાસા તાલુકાની ગોલાય રખાલમાં સસલાના શિકારી ઝડપાયા

પશ્ચિમ કચ્છ વનવિભાગ દ્વારા બાતમીના આધારે અબડાસા તાલુકાની ગોલાય રખાલમાં સસલાનો શિકાર કરી રહેલી જિલ્લાબહારના વતનીઓની ટોળકીને દબોચી લેવામાં આવી હતી,સાથે જ મૃત સસલાના અવશેષો કબ્જે કરી તાત્કાલિક દંડ ફટકારવામાં આવ્યો હતો. નલિયા ઉત્તર રેન્જના વાયોર રાઉન્ડની ગોલાય રખાલમાં આરએફઓ જે.પી ચાવડાને મળેલી બાતમીના આધારે મૂળ વારાહી બાજુના 10 શિકારીઓને નલિયા વનવિભાગે મોટો શિકાર કરે તે પહેલા જ પકડી પાડ્યા હતા.વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ અનુસૂચિ-4 ના વન્યજીવ સસલાના શિકારીઓને કાયદાના સાણસામાં લઈને તેમની મોડ્સ ઓપરેન્ડી અને અન્ય પાસાઓની ચકાસણી સહીત કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વનવિભાગે ઝડપેલા દસ શિકારી વારાહી વિસ્તારના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.આરએફઓએ આપેલી વિગતો અનુસાર ભરત પચા કોલી, લીલા રાધુ કોલી, વાલા પોપટ કોલી, ગણપત પચા કોલી, રમેશ માવજી કોલી, નીલા મોતી કોલી, કમા નાથા કોલી, અરવીન કમા કોલી, શિવરામ અંબા ઠાકોર અને બાબુ પોપટ કોલી સહિતનાને પકડી પાડવામાં આવ્યા હતા.