પાઇપલાઇનમાંથી 35 હજારનું ડિઝલ ચોરી કરાયું

ગાંધીધામ:કંડલા ટર્મીનલથી ખારીરોહર સુધી જતી પાઇપલાઇનમાં કાણું પાડી સમયાંતરે થતી રહેતી ડિઝલ ચોરી ક્યારેક મોટો અકસ્માત સર્જશે ખરો, ખારીરોહર પાસેથી બીપીસીએલની પાઇપલાઇનમાં કાણું પાડી ચાર થી પાંચ લોકો ડિઝલ ચોરી કરી રહ્યા હતા ત્યારે જ સિક્યૂરિટીની ટીમ આવી જતાં ડિઝલ ચોર ડીઝલ ભરેલા 17 કેરબા પ્લાસ્ટિકની નળીઓ મુકી ભાગી ગયા હતા. કંપનીના સિક્યુરીટી ઓફિસરે નોંધાવેલી ફરિયાદમાં રૂ.35,105 ની કિંમતનું ડિઝલ ચોરી કરી ગયા હોવાનું તેમણે જણાવ્યું છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લી. ના સેફ્ટિ ઓફિસર નરેશ પરષોત્તમદાસ ચંદનાનીએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, ગત રાત્રે પોણા બે વાગ્યાના અરસામાં ખારીરોહરની સીમમાં આવેલી બીપીસીએલની ઓઇલ પાઇપલાઇનના પોલ નંબર 198 પાસે ચાર થી પાંચ ઇસમો પાઇપલાઇનમાં કાણું પાડી ડિઝલ ચોરી કરી રહ્યા હતા તે સમયે પેટ્રોલિંગ કરી રહેલા સિક્યુરીટી ગાર્ડ રમેશનાથ , દેવારામ ગુજ્જર અને ભાનુપ્રતાપ ગુજ્જર પહોંચી જતાં ડિઝલ ચોરો 64 કેરબા અને પ્લાસ્ટિકની નળીઓ મુકી ફરાર થઇ ગયા હતા આ બાબતે સિક્યુરીટી ગાર્ડે સેફ્ટિ ઓફિસરને તેમજ પોલીસને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરી તો ડિઝલ ચોરો મુકી ને ગયેલા એ 64માંથી 17 કેરબા ડિઝલ ભરેલા હતા. સેફ્ટી ઓફિસરે રૂ.35,105 ની કિંમતનું 595 લીટર ડિઝલ ચોરી થયું હોવાની અને રાષ્ટ્રયી સંપતિમાં નુકશાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. ખારીરોહર સીમમાં આવેલી બીપીસીએલની પાઇપલાઇનમાંથી રૂ.35,105 ની કિંમતના 595 લીટર ડિઝલની ચોરી થઇ હોવાની ફરિયાદ બીપીસીએલના સેફ્ટી ઓફિસરે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે જેમાં તસ્કરો 17 કેરબા ડિઝલ ભરેલા મુકી ગયા હોવાનું જણાવાયું છે અને આ ડિઝલ સાથે કુલ 9595 લીટર ડિઝલ ચોરી કર્યુ઼ હતું. જેમાં આ ડિઝલની કિંમત 86,355 થાય છે જે પોલીસ એફઆઇઆરમાં 3,31,05,105 દર્શાવાઇ છે આ બાબતે પીઆઇ સુમિત દેસાઇને પુછતાં તેમણે રૂ.35 હજારના ડિઝલની ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. થોડા સમય પહેલાં જ આ જ રીતે પાઇપલાઇનમાં કાણું પાડીને ડિઝલ ચોરી કરાઇ રહી હતી તે સમયે પણ સિક્યુરિટી ગાર્ડ પહોંચી ગયા હતા અને એ ચોરી સમયે તે જગ્યાએ થોડી આગ પણ લાગી હતી ત્યારે મધરાત્રે થઇ રહેલી ડિઝલ ચોરીને કારણે જો એક તણખો પણ આ પાઇપલાઇનમાં અડી ગયો તો ન વિચારી શકાય તેવો મોટો અકસ્માત સર્જાશે એ નક્કી છે. જો આ ડિઝલ ચોરી ઉપર રોક નહીં લગાવાય તો પસ્તાવાનો સમય પણ આવશે. ક્રુડ ઓઈલની ઘટનાઓ સતત સામે આવતી રહી છે ત્યારે તેની ગંભીરતાને પણ સમજતા હોવાનો દાવો પ્રશાસન દ્વારા સમયાંતરે કરાતો રહે છે. પરંતુ આ ઓઈલ ચોરીની ઘટનાઓને અંકુશ લાવવા માટે જોઇએ તેવી ગંભીર પગલાઓ લેવાતા નથી. આ અંગે જ્યારે કંપનીઓને પ્રશ્ન પુછાય છે ત્યારે તેમના દ્વારા તેમનું કામ ઓઈલ સંલગ્ન ગતીવીધી સંભાળવાનું, તેનું રક્ષણ કરવાનું ન હોવાનું જણાવાય છે, તો અગાઉ પોર્ટે સીઆઈએસએફ બહાર રહેલી પાઈપલાઈનનું રક્ષણ કરતી હતી, જેને પરત લઈ લેવામાં આવી છે. તો પોલીસ અવાર નવાર કામગીરીમાં ઓઈલ ચોરોને પકડતી રહે છે. આ તમામ વચ્ચે ફરી પોર્ટ સીઆઈએસએફને પાઈપલાઈન સુરક્ષાનો દોર આપે તેવી માંગ ઉઠવા પામી છે.