ભચાઉ નજીક ટ્રક ચાલકને છરી મારી 20 હજારની લૂંટ ચલાવાઈ

ગાંધીધામ: ગાંધીધામથી ભચાઉ જતા નેશનલ હાઇવે પર ગત મધરાત્રે 12:30 વાગ્યાના અરસામાં એર પાઇપ ફાટી જતાં સાઇડમાં ઉભેલા ટ્રક ચાલકને છરી મારી તેની પાસેથી રૂ.20,000 ની લૂંટ કરી બે બાઇક સવારો ફરાર થયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. મુળ રાજસ્થાનના હાલે ગાંધીધામ ઓસવાલ ટિમ્બરમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા ગજારામ લાલારામ જાટ અને તેનો ભત્રીજો હીરારામ મોતીરામ જાટ જે ક્લીનર તરીકે તેના જોડે હોય છે. બન્ને જણા ગાંધીધામના ઉમીયા ટીમ્બરમાંથી લાકડા ભરી બેંગ્લોર ખાલી કરવા માટે ગાંધીધામથી રવાના થયા હતા. આશરે સાડાબારના અરસામાં ભચાઉ પહેલા આવતી વિરાત્રા હોટલ પાસે પહોંચતાં અચાનક ટ્રકની એરપાઇપ ફાટતાં ટ્રક સાઇડમાં ઉભી રાખી રિપેરીંગ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ટ્રકની બન્ને સાઇડથી રૂમાલ બાંધેલા બે ઇસમો એક જાડો અને એક પાતળો કેબિનમાં ઘૂસ્યા હતા.

કંઇ પણ બોલ્યા વગર જાડા ઇસમે છરી કાઢી ગજારામને મારી દેતા હાથમાં તેને ઇજા પહોંચી હતી ત્યારબાદ જાડો ઇસમ છરી સામે રાખી ઉભો હતો અને પાતળાએ ડિઝલ માટે ખિસ્સામાં રાખેલા રૂ.20,000 રોકડ કાઢી લીધા હતા ત્યારબાદ હીરારામને લાત મારી ખાલી સાઇડથી બન્ને જણા નિકળી ગયા હતા. નીચે ઉતરતી વખતે જાડા ઇસમે ગજારામને પગમાં પણ છરી મારી હતી. બન્ને જણા બાઇક પર સવાર થઇ સર્વિસ રોડ પર બાઇક લઇ ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ હીરારામ હોટલમાંથી માણસોને બોલાવી આવ્યો અને ઇજાગ્રસ્ત ગજારામને પ્રથમ ભચાઉ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીધામ લઇ જવાયો હતો. ભાનમાં આવેલા ગજારામે આ બાબતે બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ પીએસઆઇ રેખાબેન સિસોદિયા ચલાવી રહ્યા છે.