મુંદરામાં ખુલ્લા દરવાજા વાટે ઘરમાં ઘૂસી 25 હજાર રોકડની તસ્કરી થઈ

ભુજ, મુંદરા નગરમાં વેરાઇ કૃપા સોસાયટીમાં રહેતા નીલેશ દીપક ગજરા નામના યુવાનના ઘરના ખુલ્લા દરવાજામાંથી ઘૂસીને અજાણ્યા ઇસમો  રૂા. 25 હજારની રોકડ રકમ અને જુદી-જુદી બે બેન્કના એ.ટી.એમ. સાથેનું પાકીટ તસ્કરી ગયા હતા. તસ્કરોની આ હરકત પડોશીના ઘર ઉપર લાગેલા સી.સી. ટી.વી. કેમેરામાં જોવા મળી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મોબાઇલ ફોન ઉપરાંત નાણાં તબદીલીના વ્યવસાય સાથે સંકળાયેલા નીલેશ ગજરા અને તેમના પરિવારજનો ગત ગુરુવારે રાત્રિનું ભોજન લીધા બાદ નિદ્રાધીન થયા હતા ત્યારે ગરમીનાં કારણે ખુલ્લા રખાયેલા ઘરના મુખ્ય દરવાજામાંથી ઘૂસીને ટી.વી. ઉપર પડેલું પાકીટ ઉઠાવી જવાયું હતું. ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે ચોરી જવાયેલા પાકીટમાં રૂા. 25 હજાર રોકડા અને એસ.બી.આઇ. અને એકિસસ બેન્કના બે એ.ટી.એમ. કાર્ડ હતાં. પડોશમાં રહેતા જીતુભાઇ જોશીના ઘરમાં લાગેલા સી.સી. ટી.વી. કેમેરાનો અભ્યાસ કરતાં એક શખ્સ દીવાલ કૂદીને ઘરમાં આવતો અને અન્ય એક ઘરની બહાર ઊભેલો જોવા મળ્યો હતો. આ બાબતથી પોલીસને પણ વાકેફ કરાઇ હતી. મુંદરા પોલીસે ફરિયાદ નોંધી ઇસમોનું પગેરું દબાવ્યું છે.