ધારી હરિપરા સીમ વિસ્તારની નદીમાં કોઝવેમાં ખેડૂતનું બાઇક સાથે તણાઇ જતાં મોત નીપજયું

ધારી હરિપરાના સીમ વિસ્તારમાં આવેલા રામબાગ પાસે ગાંધીબ્રીજવાળી નદી પરના કોઝવે પર ફરી વળેલા પાણીમાંથી બાઈક હંકારનાર વિપ્ર ખેડૂત ટુ વ્હિલર સમેત પુરમાં તણાય જતા તેમની શોધ ખોળ ચાલી રહી હતી.ત્યારે ગઈકાલે સાંજે તેમનો મ્રૂતદેહ મલી આવ્યો હતો.
ધારીના હરિપરાના ગેઈટ નંબર 1 પાસે રહેતા ખેડૂત દુર્ગાશંકરભાઈ ફુલશંકરભાઈ જોશી (ઉ.વ.56) હરિપરાની સીમમાં આવેલ રામબાગ પાસેની પોતાની વાડીએથી શનિવારે સમી સાંજે ઘરે પરત ન ફરતાં ચિંતીત ઘરવાળાઓએ તેમની શોધખોળ આદરી હતી અને કયાંય પણ પતો ન લાગેલ ત્યારબાદ નદીના પાણીમાં કદાચ તણાયા હોવાની શંકા જતા શોધખોળ આદરેલ અને દુર્ગાશંકરભાઈનું બાઈક નદી પરના કોઝવે પાસેથી મળી આવેલ જેને લઈ તેઓ ગાંધીબ્રીજવાળી નદીના પુરમાં તણાય ગયા હોવાનું બહાર આવ્યું હતું. પોતાના જ્ઞાતિજન સાથે અઘટિત ઘટનાના વાવડો પ્રાપ્ત થતાંની સાથે જ જ્ઞાતિજનો પૈકીના સરપંચ જીતુભાઈ જોશી, અરવિંદભાઈ દવે, રાજુભાઈ તેરૈયા, અનિલભાઈ બામટા સહિતના ભોગ બનનાર ખેડૂત પરિવારની મદદે સ્થળ પર દોડી આવ્યા હતા તેમજ રાજુભાઈ સમા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.