કંથકોટ-હલરા વચ્ચે ટ્રેક્ટરની ટક્કરે 3 બાઇક સવારને ઇજાઓ પહોંચી

ગાંધીધામ:ભચાઉ તાલુકાના કંથકોટ અને હલરા વચ્ચેના રસ્તા પર પૂરપાટ આવેલા ટ્રેક્ટર ચાલકે બાઇક અડફેટે લેતાં બાઇક સવાર ત્રણે જણાને ઇજાઓ પહોંચતા સામખિયાળી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાઇ છે.કંથકોટ ખાતે રહેતા પ્રેમજીભાઇ હીરાભાઇ કોલી ગામના બસ સ્ટેશન પાસે ઉભા હતા ત્યારે ગામમાં જ રહેતો રાયધણ સંઘારે વાડીએ ચાલવાનું કહ્યું હતું. એટલામાં કાનજી કેશા કોલી બાઇક લઇને આવતાં ત્રણે જણા વાડીએ જવા નિકળ્યા હતા. હલરાના રસ્તે ખોખરાદાદાના મંદિર પાસેથી પૂરપાટ આવેલા જીજે-12-જે-8652 નંબરના કંથકોટ ગામના જ ટ્રેકટર ચાલક પરબત ગણેશાભાઇ ચૌધરી (પટેલ) એ બાઇકને અડફેટે લેતાં બાઇક ચલાવી રહેલા કાનજીને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, પ્રેમજીભાઇને જમણા હાથની કોણીમાં ફ્રેક્ચર તેમજ રાયધણને ઇજાઓ પહોંચી હતી. ટ્રેકટર ચાલક પરબત અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ફરિયાદ પ્રેમજીભાઇ હીરાભાઇ કોલીે સામખિયાળી પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.