ખોખળદળ નદીના કોઝવે પરથી તણાયેલા યુવકની 30 કલાક પછી લાશ મળી આવી

કોઠારીયા ગામ નજીક રણુજા મંદિર પાસેથી પસાર થતી ખોખડદળની નદીમાં રવિવારે એક બોલેરો તણાયો હતો જેમાં બે નો આબાદ બચાવ થયો હતો જયારે એક યુવક તણાઇ જતા લાપતા હતો. અંદાજે 30 કલાકની શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. રવિવારે રાજકોટ જિલ્લાના જુદા-જુદા તાલુકામાં સારો વરસાદ પડયો હતો. સવારથી જ વરસી રહેલા વરસાદથી નદીઓમાં પુર આવેલા. તેવા સમયે લાપાસરી ગામે રહેતા ખેડૂત વિનુભાઇ પટેલની વાડીએ ભેંસનું મોત તેને ઉપાડવા રાજકોટથી બોલેરોમાં પ્રકાશ રાઠોડ, ભાવેશભાઇ રાઠોડ અને ભીખાભાઇ બાબુભાઇ પાંભર (ઉ.વ. 35, રહે. અંબિકા પાર્ક કુવાડવા રોડ) લાપાસરી ગયા હતા. ત્યાંથી મૃત ભેંસ અને મૃત ગાયને બોલેરોમાં ભરી રાજકોટ આવી રહયા હતા. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી ખોખડદળ નદીમાં પુર આવ્યું હતુ. અને કોઝ-વે પુલ પરથી પાણી વહેવા લાગ્યું હતુ.પુલ પર જ બોલેરો બંધ પડી જતા તેમાં સવાર આ ત્રણેય લોકો અટવાઇ ગયા હતા. પ્રકાશ રાઠોડને એક ડમ્પરમાં ચડાવી બચાવ કરી લેવાયો હતો. જયારે પાણીનો પ્રવાહ વધતા બોલેરો સાથે ભીખાભાઇ અને ભાવેશભાઇ તણાયા હતા. જોકે ભાવેશભાઇને તરતા આવડતું હોવાથી તે કાંઠે આવી ગયા હતા.જયારે ભીખાભાઇ તણાઇ જતા તેની શોધખોળ શરૂ કરાઇ હતી. પ્રથમ દિવસે નદીના પટમાં શોધખોળ કરાઇ હતી પણ કોઇ પતો લાગ્યો નહોતો. જયારે ભારે પ્રયાસો બાદ કોઝ-વેથી 1કીમી દુર નદીની ખીણમાંથી ભીખાભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો.આજીડેમ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. મૃતક પટેલ યુવાન એક ભાઇ એક બહેનમાં મોટા હતા. એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.