બજારમાં સ્માર્ટ ફોન અને લેપટોપની તંગી શરૂ

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની વધતી અનિશ્ચિતતા અને કામકાજ સાથે સાથે અભ્યાસનો ટ્રેન્ડ બદલાતા મોબાઇલ અને લેપટોપનું વેચાણ એટલું વધી ગયું છે કે બજારમાં તેની અછત જોવા મળી રહી છે. મળતા અહેવાલો મુજબ તમામ જગ્યાએ આ પ્રોડકટ પર પહેલેથી મળતા ડિસ્કાઉન્ટ પણ સમાપ્ત થઇ ગયા છે અને વધતી ડિમાન્ડને કારણે દુકાનદારો માટે પણ તેને પુરૂ કરવાનું મુશ્કેલ થઇ રહ્યું છે. જુનમાં વેપાર – ધંધા અનલોક થતા જ સ્માર્ટફોન અને લેપટોપની માંગ વધી ગઇ હતી. જેને પુરી કરવી પણ મુશ્કેલ છે. લોકડાઉનથી બંધ થઇ ગયેલ વેચાણ હવે ૭૦ થી ૭૫ ટકા સુધી પહોંચી ગયું છે. ચીનથી આવતો માલ પણ બંધ થઇ જતા મુશ્કેલી વધી છે. અનલોક શરૂ થતાં જ વર્કફ્રોમ હોમ અને જુલાઇથી બાળકોને ઓનલાઇન શિક્ષણને કારણે મોબાઇલ અને લેપટોપની જરૂરીયાત વધી ગઇ હતી. પ્રિન્ટરની ડિમાન્ડ પણ નીકળી છે. જે લેપટોપ કોરોના પહેલા ૩૦ – ૩૫ ટકા ડિસ્કાઉન્ટ પર મળતા હતા તે હવે ભાવેભાવ મળે છે. વર્તમાન દિવસોમાં વિશ્વભરમાં મોબાઇલ અને લેપટોપની ડિમાન્ડ વધી છે જે અકલ્પનીય છે. ડિમાન્ડ પુરી થઇ શકે તેમ નથી. એવામાં આ બંનેના ભાવ પણ વધવા લાગ્યા છે.