જામનગરમાં અડધો, બાલંભામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો

જામનગરમાં છેલ્લા અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. ચાલુ વર્ષે જામનગર જીલ્લામાં મેઘરાજાએ હેત વરસાવતા જીલ્લાના મોટાભાગના ડેમ ઓવરફલો થયા છે ત્યારે સારા વરસાદને કારણે ખેડૂત અને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરમાં સતત દિવસ વરસાદ વરસ્યા બાદ દોઢ દિવસ મેઘરાજાએ વિરામ લીધો હતો. જયારે છેલ્લા બે દિવસથી સામાન્ય ઝાપટા વરસી રહ્યા છે. ગઈકાલે જામનગરમાં દિવસ દરમ્યાન અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે ધ્રોલ અને લાલપુરમાં સામાન્ય ઝાપટા વરસ્યા હતા. સતત ત્રણ દિવસ વરસેલા વરસાદને કારણે જામનગર શહેરના કેટલાક વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયા હતા. આવા વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા પાણી ઓસરી ગયા હતા. જેને કારણે લોકોને રાહત મળી છે.

જામનગર, ધ્રોલ ઉપરાંત જામનગરના વસઈમાં 8 મીમી, જયારે દરેડમાં 10 મીમી વરસાદ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયો છે. તો જોડીયાના બાલંભામાં પોણો ઇંચ (20 મીમી), કાલાવડના નીકવામાં 10 મીમી, પીપરટોળા, લાલપુર અને મોડપરમાં 4-4 મીમી વરસાદ નોંધાયો છે. આમ જામનગરમાં અડધો ઇંચ અને બાલંભામાં પોણો ઇંચ વરસાદ જયારે અન્ય ગામોમાં સામાન્ય ઝાપટા વરસ્યા હતા. નોંધનીય છે કે જામનગર જીલ્લામાં મુસળધાર વરસેલા વરસાદને કારણે જીલ્લાના મોટાભાગના ડેમમાં પાણી ધીંગી આવક થઇ છે ડેમો ઓવરફલો થઇ ગયા હતા. ડેમો ભરાઈ જતા ખેડૂતો અને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. એક વર્ષ ચાલે તેટલું પાણી ડેમોમાં આવી ગયું છે. જયારે ખેડૂતોને સિંચાઈનો પ્રશ્ન હાલ થઇ ગયો છે.