ચીરઇની સોલ્ટ કંપનીમાં બિમાર કર્મીનું મોત નીપજયું
ગાંધીધામ:ભચાઉ તાલુકાના મોટી ચીરઇ ગામ પાસે આવેલી મીઠાની કંપનીમાં કામ કરતા છેલ્લા ચાર પાંચ દિવસથી બીમાર કામદારનું સારવાર ન કરાવતાં તેનું મોત નિપજ્યું હતું. આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ, મોટી ચીરઇ પાસે આવેલી બજાજ સોલ્ટ કંપનીમાં કામ કરતા 30 વર્ષીય પ્રકાશભાઇ આગરિયાને છેલ્લા ચાર પાંચ દિવસથી શરદી,ઉધરસ અને તાવ હતો પરંતુ તેની સારવાર ન કરાવતાં આખરે તેનું મોત નિપજ્યું હતું. મૃતક કામદારને કંપનીના અમર ત્રીપાઠી ભચાઉ સીએચસી લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. છેલ્લા ચાર પાંચ દિવસથી બિમાર કામદારને સારવાર ન કરાવતાં મોત નિપજ્યું છે ત્યારે હાલ કોરોના મહામારીના કહેર વચ્ચે શંકા કુશંકાઓ વહેતી થઇ છે. હાલ આ બનાવમાં પીએસઆઇ સી.બી.રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે.