વાંકાનેરના ચંદ્રપુર ગામે આરસીસી રોડના કામનું મોબાઇલ શૂટીંગ કરતા યુવાન ઉપર ત્રણ શખ્સોનો હૂમલો

વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ગામે આરસીસી રોડનું કામ ચાલુ હતું ત્યારે ગામના યુવાનો દ્વારા આ આરસીસી રોડના કામનું મોબાઇલ ફોનથી વિડીયો શુટીંગ કરવામાં આવતો પંચાયતના સભ્ય અને તેના કૌટુંબિક ભાઇ તેમજ પંચાયતના સભ્યનો દીકરો ઉશ્કેરાઇ ગયો હતો. તેમણે યુવાનને લાફા મારીને છરી મારી દેવાની ધમકી આપ્યાની સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ગામે રહેતા અને ખેતીનું કામ કરતા ઉસ્માનભાઈ અલીભાઈ દેકાવાડીયા મોમીન (ઉંમર 42)એ તેઓના ગામમાં આરસીસી રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આરસીસી રોડના કામનું મોબાઇલમાં વિડિયો શુટીંગ કર્યું હતું જેથી ત્યાં હાજર રહેલા ચંદ્રપુર ગ્રામ પંચાયતના સભ્ય જલાલ ઉર્ફે હેલ્પર અમીભાઇ શેરસીયાએ તેની પાસે આવીને વિડિયો શુટીંગ કોઇને મોકલાવવાનું નથી તેમ કહીને લાફા મારી છરી મારી દેવાની ધમકી આપી હતી. તેના દિકરા ઇમરાન જલાલભાઇ શેરસીયા ધોકો લઇને આવેલ અને ગની ઉર્ફે જાદુગર નુરમામદ શેરસીયાએ ગાળો આપીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ઉસ્માનભાઈએ હાલમાં ચંદ્રપુર ગ્રામ પંચાયતના સભ્ય અને તેના દીકરા તેમજ તેના કૌટુંબિક ભાઇની સામે સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.