સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ઝરમરથી બે ઇંચ સુધી વરસાદ યથાવત

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આવતા હળવા વરસાદના દૌરમા સતત ચોથા દિવસે ઝાપટાથી પોણા બે ઇંચ વધુ વરસાદ વરસી ગયા બાદ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વેરાવળ, માળિયા હાટીના, ભાણવટ, સિહોરમાં મેઘરાજાએ દેખા દીધી છે તો હજુ બે દિવસ બાદ આગામી સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદ વરસી જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

છેલ્લા ચાર દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વહેલી સવારે કેટલાકસ્થળે હળવા ઝાપટા પડી ગયા બાદ બપોર સુધી વાદળછાયુ વાતાવરણ બની રહે છે. સાથે જ ગરમી અને બફારાથી લોકો પરેશાન થતા હોય છે તેવા સમય બપોરથી રાત સુધી અનેક સ્થળે હળવા ભારે ઝાપટાથી એકાદ-બે સ્થળે ચાર ઇંચ સુધી ભારે વરસાદના દૌર વચ્ચે આજે વહેલી સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન પણ ઝાપટાથી પોણા બે ઇંચ સુધી વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારે વેરાવળ, ભાણવડ, માળિયા હાટીના, સિહોરમાં ઝાપટા વરસી ગયા હતાં.

જ્યારે અન્યત્ર અસહ્ય ગરમી બફારા સાથે ધુપછાવના માહોલ બની રહ્યો છે. જેથી હજી બે દિવસ આ રીતે છુટાછવાયા વરસાદથી હળવા મધ્યમ વરસાદનો દૌર કોઇક સ્થળે ચાલુ રહ્યા બાદ સંભવત: બુધવાર-ગુરુવારથી ફરી સાર્વત્રિક વરસાદનો દૌર ચાલુ થવા સાથે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.