મોડાસામાં ચાલતા વરલી-મટકાના સ્ટેન્ડ પર સ્ટેટ વિજિલન્સ પહોંચી

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં દારૂ-જુગારની બદી ફૂલીફાલી છે ત્યારે સ્ટેંટ વિજિલન્સની ટીમે મોડાસા શહેરમાં ચાલતા વરલી-મટકાનાં સ્ટેન્ડ પર ત્રાટકી ૬ શખ્શોની ધરપકડ કરી ૨૭ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે વરલી-મટકાના સ્ટેન્ડ ચલાવતો સમ્સુદ્દીન મોટુમીયા મલેક નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. સ્ટેટ વિજિલન્સના દરોડાથી સ્થાનિક પોલીસમાં ખળભળાટ અને જુગારીઓમાં નાશભાગ મચી હતી.
શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સમસુ મલેક નામનો શખ્શ વરલી-મટકાના સ્ટેન્ડ ચલાવી રહ્યો છે.

ઠેર ઠેર ધમધમતા વરલી-મટકાનાં સ્ટેન્ડ અંગે ટાઉન પોલીસને ખબર જ ન પડી અને સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી ૬ શખ્શોને દબોચી લેતા ટાઉન પોલીસ સ્ટેશનની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે. સ્ટેટ વિજિલન્સની ટીમે સોમવારે સાંજે શહેરમાં ધમધમી રહેલા વરલી-મટકાના સ્ટેન્ડ પર ત્રાટકી પરબત ગોગજીભાઈ ભોજીયા, ભુપેન્દ્ર સોમાલાલ દરજી, સલીમ બદાલમિયાં જમાદાર, મહંમદ રસીદ મહંમદ હસન પઠાણ, મોહમ્મદ ઇશાક દિલાવરમિયા જમાદાર અને અબ્દુલ રહીમ યુસુફમીયાં જમાદારને ઝડપી પાડી વરલી-મટકામાં લાગવેલ નાણાં, મોબાઇલ, વરલી-મટકાના આંકડા લખવાની સામગ્રી મળી કુલ.રૂ.૨૭૦૧૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પડતા ફરાર થઈ ગયેલા સમ્સુદ્દીન મોટુમીયા મલેક વિરુદ્ધ જુગારધારા ક્લમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.