મોટી માટલી પાસે દુધના વાહન સાથે બાઇક ભટકાયું : ચાલકનું મૃત્યુ

જામનગર-કાલાવડ રોડ ઉપર મોટી માટલી ગામ પાસે આજે સવારે દુધ ભરેલા વાહન સાથે બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ બાઇક ચાલકનું મૃત્યું નિપજ્યું છે. જયારે મૃતકના પત્ની અને પુત્રને ઇજા પહોંચતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જામનગર નજીક સર્જાયેલા અકસ્માતની વિગત મુજબ જામનગરથી કાલાવડ જતાં રસ્તા પર આવતા મોટી માટલી ગામ પાસે આજે સવારે એક દુધ ભરેલ વાહન સાથે બાઇક અથડાયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં ભાડુકીયા ગામના બાઇક સવાર દંપતિ પૈકીના 36 વર્ષીય ભાવેશ પંડ્યા નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યું નિપજ્યું હતું. જયારે તેમના પત્ની મીરાબેન અને પુત્રને ઇજા પહોંચતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે કાલાવડ પોલીસ દફતરના પીએસઆઇ રાદડીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
અકસ્માત નિપજાવી દુધના વાહનનો ચાલક નાશી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. બીજી તરફ પત્નિની નજર સામે જ પતિના મૃત્યુંના પગલે શોકનું મોજું ફરી વળ્યું છે.